Devgadh baria

દેવગઢ બારીયામાં લક્ઝરી કાર કૌભાંડનો પર્દાફાશ : પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોનીની ધરપકડ

SMCની તપાસમાં મોટું રેકેટ બહાર આવ્યું, અગાઉ દરોડામાં 8 લક્ઝરી કાર જપ્ત
પૂછપરછમાં સંડોવણી સામે આવતા કાર્યવાહી; અન્ય એક મુખ્ય આરોપી હજુ ફરાર

દાહોદ, તા.7:
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં જૂની લક્ઝરી કારોના કથિત ગેરકાયદેસર વ્યવહારના મોટા કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં દેવગઢ બારીયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા હાલના કાઉન્સિલર નીલ સોનીની ધરપકડ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાઈ છે.
મળતી માહિતી મુજબ આશરે પાંચ મહિના અગાઉ નોંધાયેલી ફરિયાદના આધારે SMCએ તપાસ તેજ કરી હતી. અગાઉ આ રેકેટમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ દરમિયાન નીલ સોનીની સીધી સંડોવણી અને ભાગીદારી સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે નીલ સોનીએ ભાજપ સામે બળવો કરીને નગરપાલિકામાં સત્તા મેળવી હતી, જેના કારણે આ કાર્યવાહી સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની છે.
SMC દ્વારા અગાઉ પાડવામાં આવેલા દરોડા દરમિયાન અંદાજે 8 જેટલી કિંમતી લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નેટવર્ક ચોરીની અથવા વિવાદિત ગાડીઓના દસ્તાવેજોમાં છેડછાડ કરીને તેને વેચવાના મોટા રેકેટ સાથે સંકળાયેલું હોઈ શકે છે.
હાલ પોલીસે નીલ સોનીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં સંડોવાયેલા એક અન્ય મુખ્ય આરોપી હજુ ફરાર છે અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે. આવનારા દિવસોમાં આ રેકેટના આંતરરાજ્ય કનેક્શન તેમજ અન્ય સફેદપોશ લોકોના નામ બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top