India

“રડાર પરથી ગાયબ થયું ફાઇટર જેટ…પછી પહાડોમાં મળ્યો મલબો

બે પાયલોટ ના મોત ” સુખોઇ-30MKI વિમાન આસામમાં રડાર થી થયું હતું ગુમ

ભારતીય વાયુસેનાનું એક મહત્વપૂર્ણ લડાકૂ વિમાન ગુરુવારે સાંજે આસામના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થતા બે પાયલોટનું મોત થયા છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર Sukhoi Su-30MKI ફાઇટર જેટ ગુરુવારે Jorhat એરબેસથી ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભર્યા બાદ રડાર સંપર્ક ગુમાવી બેઠું હતું. બાદમાં તે આશરે 60 કિમી દૂર Karbi Anglong જિલ્લાના પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર Anuj અને ફ્લાઇટ લેફ્ટનન્ટ Purvesh Duragkarનું મોત થયું છે. વાયુસેનાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું કે “આ દુઃખદ સમયે સમગ્ર વાયુસેના પરિવાર શહીદ પાયલોટોના પરિવાર સાથે મજબૂત રીતે ઉભો છે.”

વાયુસેનાના જણાવ્યા મુજબ વિમાનનો કંટ્રોલ સ્ટેશન સાથે છેલ્લો સંપર્ક ગુરુવારે સાંજે લગભગ 7:42 વાગ્યે થયો હતો. ત્યાર બાદ વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું હતું, જેના કારણે તરત જ શોધ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.તે જ સમયે કાર્બી આંગલાંગ જિલ્લાના નિલિપ બ્લોક નજીકના પહાડી વિસ્તારમાં રહેવાસીઓએ જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો હોવાનો દાવો કર્યો હતો.ગામલોકોના જણાવ્યા મુજબ સાંજના સમયે આ અવાજ દૂર સુધી સંભળાયો હતો અને થોડા સમય પછી પહાડોની દિશામાં ધુમાડો ઊઠતો પણ દેખાયો હતો.

શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના સ્થળે વિમાનના કેટલાક ભાગો મળ્યા છે તેમજ માનવ શરીરના અવશેષો પણ મળ્યા છે. જોકે આ વિસ્તાર ખૂબ જ દૂરસ્થ અને ઘન જંગલવાળો હોવાથી શોધ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ટીમો હાલ પણ મુશ્કેલ પહાડી વિસ્તાર પાર કરીને ચોક્કસ ક્રેશ સાઇટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

વિમાન તરીકે ઓળખાતું Sukhoi Su-30MKI ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી અને આધુનિક લડાકૂ વિમાન માનવામાં આવે છે. રશિયા સાથેના સહયોગથી વિકસિત આ વિમાન લાંબા અંતરના મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તે હવામાં તેમજ જમીન પરના ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.

હાલ આ દુર્ઘટનાના સાચા કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ વિમાન ક્રેશ પાછળનું કારણ સ્પષ્ટ થઈ શકશે.

Most Popular

To Top