વેડ રોડ પર પાંચ ટન યાર્ન ભસ્મ, બીજો માળ પૂરો ખાક:Surat શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લૂમ્સ ફેક્ટરીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ અને જ્વાળાઓ આકાશને અડી રહી હોય તેમ દૂર સુધી દેખાવા લાગી હતી. સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં બચાવ દળ તાત્કાલિક દોડી આવ્યું હતું.
માહિતી મુજબ હરિઓમ મિલ પાછળ આવેલા બિલ્ડિંગના બીજા માળે લૂમ્સનું ખાતું કાર્યરત હતું. ઘટના સમયે ફેક્ટરી બંધ હોવાથી કોઈ કર્મચારી અંદર હાજર નહોતો, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, અંદાજે પાંચ ટન જેટલો યાર્નનો જથ્થો તેમજ ટીએફઓ અને વોરપિંગ મશીનો આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે સમગ્ર બીજો માળ બળી ને ખાખ થઈ ગયો હતો.
કતારગામ, મુગલીસરા, કોસાડ, વરિયાવ અને ડભોલી ફાયર સ્ટેશનોની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. ઇમારતની દિવાલો અત્યંત ગરમ થઈ જતા અને સીધો પ્રવેશ માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. આવા સમયે ફાયર જવાનોને બીએ (BA) સેટ અને ઓક્સિજન માસ્ક સાથે અંદર મોકલવામાં આવ્યા હતા. ધુમાડા અને ભારે તાપમાન વચ્ચે જવાનો સતત કલાકો સુધી જંગી લડત આપતા રહ્યા.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ લાંબા પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ છે. સદભાગ્યે, આ ભયંકર આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.