ગાંધીનગર : ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’નો પ્રારંભ થયો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત નીતિ સ્થિરતા, પારદર્શિતા, વ્યવસાય સુલભતા અને વિકાસ માટેની રાજકીય ઇચ્છાશક્તિ સાથે સેમિકન્ડક્ટર અને ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી આગળ વધી રહ્યું છે. દેશના ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતને હવે ટેક એન્જિન બનાવવાનો સ્પષ્ટ સંકેત આ કોન્ફરન્સમાં આપવામાં આવ્યો હતો.
તેમણે કહયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત હાર્ડવેર ક્ષેત્રે વૈશ્વિક ઓળખ મજબૂત કરી રહ્યું છે અને “ભારત તૈયાર છે, વિશ્વસનીય છે અને પ્રતિબદ્ધ છે” એ વિશ્વાસને સાબિત કરવાનો સમય આવી ગયો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધોલેરા સ્પે. ઈન્વેસ્ટમે્ટ રિજીયન હવે માત્ર બ્લૂપ્રિન્ટ નથી, પરંતુ ભારતનું સેમિકોન સિટી બનવા જઈ રહ્યું છે.
ધોલેરા અને સાણંદમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા, ગુણવત્તાસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક લોજિસ્ટિક્સ સાથે ચિપ ઉત્પાદન માટે સંપૂર્ણ માળખું તૈયાર છે.ગિફ્ટ સિટી ડિઝાઇન અને નાણાકીય માળખા માટે અનોખું કેન્દ્ર બની રહ્યું છે, જેના કારણે રાજ્યમાં એન્ડ-ટુ-એન્ડ ઇકોસિસ્ટમ વિકસ્યું છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વ જ્યારે કાર્બન ટેક્સ અને કાર્બન ફૂટપ્રિન્ટ અંગે ચિંતિત છે, ત્યારે ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય તરીકે નવીનીકરણીય ઊર્જામાં અગ્રેસર રહી ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા આપે છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે કુશળ માનવબળ તૈયાર કરવા આઈઆઈટી ગાંધીનગરમાં નેનો ફેબ્રિકેશન લેબ વિકસાવવામાં આવી રહી છે.આ કોન્ફરન્સ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રેસર થવાની ગુજરાતની પ્રતિબદ્ધતા છે. રિસર્ચ, ઇનોવેશન અને સપ્લાય શ્રૃંખલા સ્થાનિકીકરણ દ્વારા ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત લીડ લેવાનું સંકલ્પબદ્ધ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે થતા નવા રોકાણો રાજ્યમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટના નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે અને ગુજરાત ‘ચિપથી ચેમ્પિયન’ સુધીની સફરમાં દેશનું નેતૃત્વ કરશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશની માત્ર 5 ટકા વસ્તી અને 6 ટકા ભૂગોળ ધરાવતું ગુજરાત ભારતના કુલ ઉત્પાદનનું 18 ટકાથી વધુ યોગદાન આપે છે. દેશના કુલ જીડીપીમાં 8 ટકાથી વધુ હિસ્સો, કુલ નિકાસમાં 30 ટકાથી વધુ અને કાર્ગો હેન્ડલિંગમાં 40 ટકાથી વધુ ફાળો ગુજરાતનો છે. વર્ષોથી જળવાયેલી રાજકીય અને નીતિગત સ્થિરતા રાજ્યની સૌથી મોટી તાકાત છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે કોવિડ-19 દરમિયાન સપ્લાય શ્રૃંખલા ખોરવાતા સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઊભા થયેલા વૈશ્વિક પડકારને ભારતે અવસર તરીકે લીધો છે. સાણંદ ખાતે માઈક્રોનના એટીએમપી પ્લાન્ટના પ્રારંભ સાથે દેશે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઐતિહાસિક પગલું ભર્યું છે.
ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સના પ્રથમ દિવસે જ કરોડોના રોકાણ અને મહત્ત્વના MoU
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ 2026’ અંતર્ગત આજે કોન્ફરન્સના પ્રથમ દિવસે જ અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે મહત્ત્વના કરારો (MoU) કરવામાં આવ્યા છે.
આજના દિવસનું સૌથી મોટું આકર્ષણ Hotayi Industries દ્વારા કરવામાં આવેલી જાહેરાત રહી હતી. કંપની GIDC સાણંદ ખાતે મેમરી મોડ્યુલ્સના ઉત્પાદન માટે ₹૩૫૦ થી ₹૫૦૦ કરોડનું માતબર રોકાણ કરશે. આ ઉપરાંત, Hyspec Chemicals દ્વારા સેમિકન્ડક્ટર-ગ્રેડ સ્પેશિયાલિટી કેમિકલ્સ અને Kiansh/GnBS દ્વારા ગેસ અબેટમેન્ટ સિસ્ટમ્સ સ્થાપવા માટે પણ કરારો કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્ર
જાપાનની દિગ્ગજ કંપની HORIBA દ્વારા અમદાવાદમાં સેમિકન્ડક્ટર-ગ્રેડ માસ ફ્લો મીટર અને અદ્યતન સામગ્રી માટે અત્યાધુનિક R&D સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્ર રાજ્યમાં સંશોધન ક્ષેત્રે નવી દિશા ખોલશે.
સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે કુશળ માનવબળ તૈયાર કરવાના હેતુથી અનેક મહત્ત્વના જોડાણો થયા છે. NIELIT દ્વારા ITI ચાંદખેડા ખાતે અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર કોર્સ માટે ખાસ કેમ્પસ બનાવવામાં આવશે. CDAC (બેંગલોર) દ્વારા ગુજરાતમાં ‘ChipIN’ એક્સટેન્શન સેન્ટર અને VLSI ડિઝાઇન માટે સેન્ટર ઓફ એક્સલન્સ (CoE) ની સ્થાપના કરવામાં આવશે. IIT ગાંધીનગરના સહયોગથી ‘પ્રોજેક્ટ સમર્થ’ (Project SAMARTH) ના બાંધકામની જાહેરાત પણ કરવામાં આવી છે.
ઉદ્યોગ જગતમાં સહયોગ વધારવા માટે Suchi Semicon અને ROHM તેમજ Kaynes Technology અને SpectraGaze વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના MoU થયા હતા. કાર્યક્રમમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી (USA) ના ડૉ. સેથુરામન પંચનાથનનું વિશેષ સંબોધન પ્રસારિત કરવામાં આવ્યું હતું. અંતમાં, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને સુરક્ષિત અને મજબૂત કરવા માટે ‘પ્રોજેક્ટ સેમિકોન શીલ્ડ’ (Project Semicon Shield) લોન્ચ કરવામાં આવ્યો હતો.