ગાંધીનગર,તા.27
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. ૧ અને ૨ માર્ચે ‘ગુજરાત સેમિકનેક્ટ – ૨૦૨૬’ યોજાશે. આ પરિષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઅર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર કેન્દ્ર બનાવવાના પ્રયાસોને ઝડપ મળી રહી છે. કોવિડ સમયગાળા દરમિયાન વિશ્વભરમાં સેમિકન્ડક્ટરની અછત સર્જાતા ભારતે તેને અવસરમાં ફેરવી આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલું ભર્યું છે.
રાજ્યમાં અંદાજે રૂા. ૧.૨૪ લાખ કરોડના સેમિકન્ડક્ટર સંબંધિત પ્રોજેક્ટ કાર્યરત છે. આ પરિષદ રાજ્યના પ્રખ્યાત મંચ તરીકે દેશ-વિદેશના ઉદ્યોગકારો, રોકાણકારો અને નિષ્ણાતોને એકત્રિત કરશે. અત્યાર સુધી ૮થી વધુ દેશોમાંથી ૨,૫૦૦થી વધુ પ્રતિનિધિઓએ નોંધણી કરાવી છે.
‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬’ માં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, કાયનેસ ટેક્નોલોજી અને વૈશ્વિક સંસ્થા સેમીના પ્રતિનિધિઓ ભાગ લેશે. ‘આગામી પેઢીના સેમિકન્ડક્ટર’, ‘લોજિસ્ટિક્સ અને ઢાંચાગત સુવિધાઓ’, ‘વિત્તીય વ્યવસ્થા’, ‘સંશોધન અને કુશળ માનવબળ’ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.તા. ૨ માર્ચે પ્રતિનિધિઓ ધોલેરા સેમિકોન સિટીનો પ્રવાસ કરી ઉત્પાદન એકમો અને ઔદ્યોગિક સુવિધાઓનું અવલોકન કરશે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત સેમિકનેક્ટ–૨૦૨૬ રાજ્યને સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.