ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા પર જવાબ આપતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશનું અગ્રણી મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે અને ટેકનોલોજીના નવા યુગમાં દૃઢપણે આગળ વધી રહ્યું છે. વિશ્વમાં સેમિકંડક્ટર ઉદ્યોગને મળતી ગતિ વચ્ચે ભારત પણ હવે આ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે અને તેની શરૂઆત ગુજરાતથી થવી એ રાજ્ય માટે ગૌરવની બાબત છે.
તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે માઈક્રોન ટેકનોલોજીની સેમિકંડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન થવાનું છે, જે ભારતના ટેકનોલોજીકલ ઇતિહાસમાં માઈલસ્ટોન સાબિત થશે. વિશ્વની ટોચની હાઈ-ટેક ઇન્ડસ્ટ્રીઝમાંથી ચાર ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે. આ વિકાસને કારણે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓ ગુજરાત પરત ફરી રહ્યા છે, જેને ‘રિવર્સ બ્રેઈન ડ્રેઈન’ તરીકે જોવામાં આવી રહ્યું છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો અંગે તેમણે જણાવ્યું હતું કે વરસાદી આફત દરમિયાન ૧૬,૦૦૦ ગામોના ખેડૂતોને રૂ.૧૧,૦૦૦ કરોડની સીધી સહાય તેમના ખાતામાં જમા કરાઈ હતી.
રાજ્યમાં રૂ.૧૫,૦૦૦ કરોડની મગફળી ખરીદી કરવામાં આવી છે. ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી હવે સાત-બાર અને આઠ-અના ઉતારા ઓનલાઈન ઉપલબ્ધ થતા ખેડૂતોને કચેરીઓના ચક્કર નહીં મારવા પડે.ગુજરાતનું બજેટ રૂ.૪ લાખ કરોડ સુધી પહોંચ્યું છે અને રાજ્યની નાણાકીય શિસ્ત મજબૂત છે. અમદાવાદ-રાજકોટ સહિત પાંચ મોટા એક્સપ્રેસ-વે રૂ.૧ લાખ કરોડના ખર્ચે બની રહ્યા છે. મજબૂત આવકના સ્ત્રોતોને કારણે રાજ્યને વધારાનું દેવું લેવાની જરૂર પડતી નથી.માળખાગત સુવિધાઓના ક્ષેત્રે અમદાવાદ-રાજકોટ, રાજકોટ-દ્વારકા અને જેતપુર-સોમનાથ સહિત પાંચ મોટા એક્સપ્રેસ-વે રૂ.૧ લાખ કરોડના ખર્ચે બની રહ્યા છે.
બુલેટ ટ્રેન, આધુનિક બસ સ્ટેશનો, એરપોર્ટ અને રેલવે સ્ટેશનોના નવીનીકરણથી રાજ્યમાં આધુનિક સુવિધાઓ ઊભી થઈ રહી છે. શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે રૂ.૬૨ હજાર કરોડ ફાળવ્યા છે. મહિલા અને બાળ વિકાસ માટે રૂ.૭,૬૯૦ કરોડ તથા શહેરી વિકાસ માટે રૂ.૩૬ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.