ગાંધીનગર : રાજ્યમાં કુલ ૮૯૧ સિંહોની સંખ્યા નોંધાઈ છે. તેમાં ૨૫૫ સિંહ, ૪૦૫ સિંહણ અને ૨૩૧ સિંહબાળનો સમાવેશ થાય છે. આ માહિતી વિધાનસભામાં વન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા બે વર્ષના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૦ સિંહ, ૪૪ સિંહણ અને ૭૯ સિંહબાળના મૃત્યુ, વર્ષ ૨૦૨૫માં ૩૨ સિંહ, ૪૪ સિંહણ અને ૬૬ સિંહબાળના મૃત્યુ થયા હતા. જ્યારે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ૩ સિંહ, ૩ સિંહણ અને ૩ સિંહબાળના મૃત્યુ નોંધાયા છે.વર્ષ ૨૦૨૪માં ૧૨ સિંહ, ૧૬ સિંહણ અને ૧૧ સિંહબાળના અકુદરતી મૃત્યુ થયા હતા, જ્યારે ૨૦૨૫માં અનુક્રમે ૪, ૬ અને ૧૧ તથા જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ૧ સિંહ અને ૨ સિંહણના અકુદરતી મૃત્યુ નોંધાયા હતા. સિંહના અકુદરતી મૃત્યુ અટકાવવા વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
જેમાં વેટરનરી ઓફિસરોની નિમણૂક, અદ્યતન લાયન એમ્બ્યુલન્સ અને સારવાર કેન્દ્રોની વ્યવસ્થા, સિંહોના રેડિયો કોલરિંગ, હાઈટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના તથા ક્વોરન્ટાઇન ઝોન બનાવવામાં આવ્યા છે.
અભયારણ્ય વિસ્તારોમાં સ્પીડ બ્રેકરો, ખુલ્લા કૂવાઓને પારાપેટ વોલથી સુરક્ષિત કરાવવાની કામગીરી, રેલવે ટ્રેક પાસે ચેઇનલિંક ફેન્સિંગ, રેપિડ એક્શન અને રેસ્ક્યૂ ટીમોની રચના, નાઇટ પેટ્રોલિંગ અને ચેકપોસ્ટ પર CCTV કેમેરાની સુવિધા પણ અમલમાં મુકાઈ છે. વન્યપ્રાણી સંરક્ષણ માટે લોકજાગૃતિ અભિયાન પણ હાથ ધરાયું છે.