SURAT

અંતરધર્મીય લગ્ને ઉઠાવ્યો તોફાન

વિરોધ વચ્ચે સમૂહલગ્નમાંથી નિર્ણય પાછો, યુગલ મક્કમ

યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 માર્ચે ડુમસ રોડ સ્થિત રાજઘરાના પાર્ટી પ્લોટ ખાતે 101 પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય સમૂહલગ્ન યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવાના આ ઉપક્રમે વચ્ચે એક આંતરધર્મીય લગ્નને લઈ શહેરમાં ચર્ચા અને ચિંતા બંને વધ્યા. માહિતી મુજબ, સમૂહલગ્નમાં એક મુસ્લિમ યુવતી પોતાના હિન્દુ પ્રેમી સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવા જઈ રહી હોવાની વાત બહાર આવતા દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

વિરોધીઓએ સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું કે વ્યક્તિગત રીતે લગ્ન કરવાનો અધિકાર સૌને છે, પરંતુ જાહેર સમૂહલગ્નના મંચ પરથી ધાર્મિક વિધિ દ્વારા લગ્ન કરાવવાનું ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ–2021ની જોગવાઈઓનો ભંગ ગણાય શકે. સમાજના આગેવાનોના મતે, પૂર્વ મંજૂરી વગર થતું ધર્માંતરણ કાયદેસર ગણાતું નથી અને આવી ઘટના શહેરના સામાજિક સૌહાર્દને અસર કરી શકે.

વિવાદ વધતા ટ્રસ્ટના સીઇઓ સત્યેન નાયકે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. તેમણે સ્પષ્ટતા કરી કે યુવતી તેની માતાની સંમતિથી જોડાવાની હતી, પરંતુ પરિવારજનોની અસંમતિ અને વધતા સામાજિક દબાણને ધ્યાનમાં રાખી અંતે ટ્રસ્ટે આ લગ્ન રદ કરવાનો નિર્ણય લીધો. ટ્રસ્ટે તાજેતરમાં અમલમાં આવેલા નવા લગ્ન નોંધણી નિયમોનો હવાલો આપતા જણાવ્યું કે માતા-પિતાની સંમતિ વિના થતા લગ્નોની કાયદાકીય માન્યતા મુદ્દે સ્પષ્ટતા જરૂરી છે.

યુવક-યુવતી હજુ પણ લગ્ન માટે અડગ હોવાનું જણાવાયું છે, પરંતુ હાલ માટે સમૂહલગ્નના મંચ પરથી આંતરધર્મીય લગ્ન નહીં થાય તે નિશ્ચિત થયું છે. ટ્રસ્ટે અંતમાં જણાવ્યું કે તેમનો હેતુ માત્ર જરૂરિયાતમંદ દીકરીઓને સહાય કરવાનો છે અને કોઈપણ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

Most Popular

To Top