આણંદ:
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં બાકી મિલકત વેરાની વસૂલાત તેજ કરવા ખાસ પગલાં લેવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થતું હોવાથી, નગરજનોને રાહતરૂપે રવિવાર સહિત તમામ જાહેર રજાના દિવસોમાં પણ વેરા કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રજાના દિવસે પણ વેરા કચેરી ધમધમશે
નગરજનોની સુવિધા માટે 1લી માર્ચ (રવિવાર) સહિત માર્ચ મહિનાના તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં સવારે 11:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી વેરા વિભાગ કાર્યરત રહેશે.
આ સુવિધા આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ સ્થિત તમામ વેરા કચેરીઓમાં ઉપલબ્ધ રહેશે. જેથી નાગરિકો રજાના દિવસે પણ પોતાનો બાકી વેરો સહેલાઈથી જમા કરાવી શકશે.
માંગણા બિલ ન મળ્યા હોય તો તરત સંપર્ક કરો
પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, જેમને હજી સુધી માંગણા બિલ (Tax Bill) પ્રાપ્ત થયું નથી તેઓએ તાકીદે સંબંધિત કચેરીનો સંપર્ક કરી બિલ મેળવી લેવું. તમામ કરદાતાઓને 31 માર્ચ પહેલાં બાકી વેરો ભરપાઈ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
બાકીદારો સામે કડક કાર્યવાહી
મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે 31 માર્ચ 2026 સુધી વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે કડક પગલાં લેવામાં આવશે. બાકીદારોના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવા સાથે મિલકત સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે.
પાલિકા તંત્રે નગરજનોને સમયસર વેરો ભરવા અપીલ કરી છે જેથી અંતિમ દિવસોની ભીડ અને દંડાત્મક કાર્યવાહીથી બચી શકાય.