શિક્ષણ દ્વારા હવામાં ઉડવાની આશા લઈને નીકળેલા વિદ્યાર્થીને રોડ પર અકસ્માતથી પાંખો કપાઈ ગઈ..!!
–CCTV ફૂટેજમાં કેદ થયા અકસ્માતના દ્વશ્ય, ટેમ્પો ચાલક ફરાર
પરિવાર અને આખું ગામ ગમગીન બની ગયું
સાગબારા,ભરૂચ, તા.25
સાગબારા તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સીમઆમલી ગામનો ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા માટે “હોલ ટિકિટ” લેવા જતા એક વિદ્યાર્થીનું બાઇક રોડ પર સ્લિપ થતાં પિકઅપ ટેમ્પો નીચે કચડાઈ જતા ઘટનાસ્થળે જીવ ગુમાવી દીધો હતો.
સાગબારા તાલુકાના સીમઆમલી ગામે રહેતો તનીષકુમાર કિશનભાઈ વસાવા(ઉં.વ. આશરે 17) ધોરણ-10માં રીપીટર તરીકે અભ્યાસ કરતો હતો.મંગળવારે વહેલી સવારે પોતાની બાઇક લઈને સાગબારા ખાતે આવેલી નવરચના હાઇસ્કુલમાંથી પોતાની હોલ ટિકિટ લેવા માટે નીકળ્યો હતો.સવારે આઠ વાગ્યાના અરસામાં સીમઆમલી જવાના માર્ગ પર આવેલા એક વળાંક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની બાઇક અચાનક સ્લિપ ખાઈ જતા રોડ પર પટકાયો હતો.આ વેળા સામેથી આવી રહેલો એક પિકઅપ ટેમ્પામાં પાછળનું ટાયર આ વિદ્યાર્થી ઉપર ચઢી ગયો હતો. ગંભીર ઈજા થતાં જ તનીષ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
અકસ્માત બાદ ટેમ્પો ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો. આ કરુણ ઘટના નજીકની એક દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સાગબારા CHC ખાતે તો લઇ ગયા પણ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાથી આશાસ્પદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો હૈયાફાટ રુદનથી માતમ છવાઈ ગયો હતો.
મૃતકને PM કરાવીને ટેમ્પાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થીને મોડી સાંજે અંતિમવિધિ કરવામાં આવતા આખું ગામ ગમગીની બની ગયું હતું.