આવતીકાલ તો આવશે જ. કદાચ તેનું એક નિર્ધારિત સ્વરૂપ પણ હશે. બે સંભાવના છે, આ સ્વરૂપનો સ્વીકાર કરવો અથવા તો જે સ્વરૂપની ઈચ્છા છે તે પ્રમાણે આવતીકાલ નિર્ધારિત થાય તે માટે પ્રયત્ન કરવો. આવતીકાલનું સંપૂર્ણતામાં નિર્ધારણ શક્ય નથી, છતાં પણ કેટલીક બાબતો માનવીના હાથમાં છે.
યોગવાશિષ્ટમાં જણાવાયું છે કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બે પરસ્પર પોતપોતાની શક્તિ દર્શાવતાં હોય છે. જેની પાસે વધુ સામર્થ્ય હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સ્થાપિત થાય. જો પુરુષાર્થ પ્રારબ્ધ પર હાવી થઈ જાય તો તે જીતે અને જો પ્રારબ્ધની ઉગ્રતા વધુ હોય તો તેની જીત થાય. અહીં એક વાત સમજવા જેવી છે. એવો અર્થ કાઢી શકાય કે જે પણ પરિણામ સ્થાપિત થાય છે તેમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનો ફાળો હોય. પ્રારબ્ધ નિર્ધારિત છે જ્યારે પુરુષાર્થ વ્યક્તિના હાથમાં હોય છે. પ્રારબ્ધ પૂર્વઆયોજિત પ્રક્રિયાનો ભાગ છે જ્યારે પુરુષાર્થ વર્તમાનની પરિસ્થિતિ છે. પ્રારબ્ધનો સ્વીકાર કરવાનો હોય અને પુરુષાર્થ આદરવાનો હોય. ભવિષ્યને સ્વરૂપ આપવાની પ્રક્રિયા એટલે પુરુષાર્થ અને પછી જે ભવિષ્ય પ્રગટ થાય તે પ્રારબ્ધ.
ભવિષ્યને ઈચ્છિત સ્વરૂપ આપવાની પ્રક્રિયા એટલે જીવનને સ્પર્શતી વિવિધ બાબતોની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યારથી કરવામાં આવતો પ્રયત્ન. આમાં આર્થિક બાબતો હોઈ શકે, આરોગ્ય અને તંદુરસ્તીની વાત હોઈ શકે, કૌટુંબિક કે સામાજિક સમીકરણનો ઉલ્લેખ જોવાં મળી શકે, કળા અને સર્જનાત્મક રસના વિષયોમાં સમજ સ્થાપિત કરવાની જરૂરીયાત હોઈ શકે, પદ અને પ્રતિષ્ઠા માટે આયોજન હોઈ શકે અને આધ્યાત્મિકતામાં રસ જાગ્રત કરી સંતોષ શાંતિ અને આનંદ માટેની લાંબાગાળાની યોજના પણ હોઇ શકે.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ભવિષ્ય એટલે પૈસાની બચત. આ બચત માટે આરોગ્ય અને તંદુરસ્તીનો પણ ભોગ લેવાતો હોય છે. પૈસા એકત્રિત કરવા પદ અને પ્રતિષ્ઠા પણ દાવ પર લગાવાતી હોય છે. એકવાર પૈસો હાથમાં આવે પછી આનંદ, શાંતિ, સંતોષ, સુખ, બધું જ મળશે તેવી ભ્રમણામાં રહેવાતું હોય છે. મોટી ઉંમરે ભક્તિ કરીને ભગવાનને મનાવી લઈશું, આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરો સિદ્ધ કરી લઈશું, એવી માન્યતા સાથે લક્ષ્મી પાછળ આંધળી દોટ મૂકાતી હોય છે. એકંદરે એમ કહી શકાય કે અન્ય દરેક બાબતોનો જાણે ભોગ લઈ ભવિષ્યને ચોક્કસ સ્વરૂપ આપવા માત્ર પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરાતું હોય છે.

આર્થિક આયોજન આવશ્યક છે. આવક, ખર્ચ અને બચત વચ્ચે સંતુલન હોવું જોઈએ. લોભ વગર બચત અને રોકાણનું આયોજન કરવું જોઈએ. ઘડપણની જરૂરિયાતો માટે અત્યારથી ગોઠવણ કરવી જોઈએ. ભવિષ્યની કૌટુંબિક તેમજ સામાજિક આર્થિક જરૂરિયાતો માટે પણ અત્યારથી આયોજન જરૂરી છે. આ માટે વ્યવસાય તથા કારકિર્દીનું આયોજન પણ મહત્વનું ગણાય. અહીં વિચારવા જેવી એ વાત છે કે ઘણીવાર વ્યક્તિ એટલી સંપત્તિ ભેગી કરે કે જે સાત પેઢી સુધી ચાલે, આ ખોટું છે. ભવિષ્યની જરૂરિયાત માટીની સમજ મર્યાદિત, મર્યાદિત સમય માટે અને મર્યાદિત પરિપ્રેક્ષ્યની હોવી જોઈએ. ભવિષ્યમાં પણ પુરુષાર્થની આવશ્યકતા રહે તેવી ગોઠવણ ઈચ્છનીય ગણાય. એ પણ સમજવું પડે કે એક સમયે પૈસો કામ નહીં આવે. કહેવાય છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. તંદુરસ્તીના ભોગે પૈસો નહીં, પૈસો તંદુરસ્તી પાછી નહીં આપી શકે. કેટલાક બુદ્ધિજીવીઓ આની સામે દલીલ કરી શકે, પરંતુ હૃદય રોગનો હુમલો થયાં પછી હૃદયનાં કોષ કોઈ પણ સંજોગોમાં પુનર્જીવિત થતાં નથી. ભવિષ્યના સ્વરૂપમાં તંદુરસ્તીનું મહત્વ વધુ હોવું જોઈએ. આજથી ૧૦-૨૦ વર્ષ પછી શરીરમાં એવી કેવી તકલીફો થઈ શકે તેની સંભાવના છે તે વિશે અત્યારથી જ સભાનતા જરૂરી છે અને તેનાં સંભવિત નિવારણ માટે અત્યારથી જ પ્રયત્ન થવાં જોઈએ. પાછળથી કશું જ નહીં થઈ શકે. કસરત પણ નહીં થઈ શકે, યોગનાં અમુક આસન પણ નહીં થઈ શકે અને અમુક સંજોગોમાં તો ‘પ્રોટીન’ પણ નહીં લઈ શકાય. તે વખતે માત્ર રોગની પસંદગી જ થઈ શકશે. ભવિષ્યના સ્વરૂપની જે કલ્પના હોય તેમાં તંદુરસ્તીનો સમાવેશ જરૂરી છે.
જ્યારે નિવૃત્ત જીવન હશે ત્યારે ખબર નહીં હોય કે શું કરવું. નિવૃત્ત વ્યક્તિનો ઘણી વાર એક જ ઉદ્દેશ રહેતો હોય છે, ‘સમય પસાર કરવો’. પછી એવી પ્રવૃત્તિમાં પોતાની જાતને સંલગ્ન રાખવી પડતી હોય છે કે જે પોતાની ઈચ્છા મુજબની પણ ન હોય. જીવનના આ તબક્કા માટે કેટલીક ‘હોબી’ કેળવવી પડે, સમાજ સાથે તાલમેલ મેળવવો પડે, ઉત્તરદાયિત્વની પરિભાષા બદલવી પડે અને સમજવી પણ પડે, સંભાવના અને સ્વીકૃતિ વચ્ચે સંતુલન લાવવું પડે, પરિસ્થિતિને જેમ છે તેમ સ્વીકારવાની તૈયારી રાખવી પડે, સામાજિક કર્તાપણાનો ભાવ ઓછો કરી વ્યક્તિગત સૌમ્યતા માટેનો અભિગમ વિકસાવવો પડે, કુટુંબમાં અહંકાર સ્થિત માનસિકતા છોડવી પડે, નવી જીવનશૈલી માટે સ્વીકૃતિ હોવી જોઈએ – અને આ બધાંની તૈયારી પહેલાથી શરૂ કરવી પડે. ભવિષ્યનાં સ્વરૂપને નિર્ધારિત કરવા માટેનું આ પણ એક અગત્યનું પાસું છે. જ્યારે ભવિષ્યનું સ્વરૂપ નિર્ધારિત કરવું હોય ત્યારે લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ, સમય મર્યાદા અનુસાર આયોજન થવું જોઈએ, સમયાંતરે આયોજન તેમજ પરિસ્થિતિની સમીક્ષા કરી જો બદલાવ જરૂરી હોય તો તેનાં પર કામ કરવું જોઈએ, સંભવિત અનિશ્ચિતતાઓ માટે સજાગ રહેવું જોઈએ, પ્રાથમિકતા અર્થાત અગ્રતાક્રમ માટે સ્પષ્ટતા હોવી જોઈએ, સમાવેશીય અભિગમ પણ જરૂરી છે, ક્ષમતા અને પ્રયત્ન વચ્ચે સંતુલન હોવું જોઈએ અને આ બધાં સાથે પછી ભવિષ્યની જે પણ પરિસ્થિતિ ઉદ્ભવે તેની સ્વીકૃતિની તૈયારી પણ હોવી જોઈએ.
આ સમગ્ર આયોજનમાં આર્થિક, કૌટુંબિક, સામાજિક, શારીરિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક બાબતોનો સમાવેશ થવો જોઈએ. તો જ ભવિષ્યનું ઇચ્છિત સ્વરૂપ સ્થાપિત થવાની ‘લગભગ’ સંભાવના ઊભી થાય, નહીંતર એક બાબતે સફળતા જણાય અને અન્ય બાબત અતિ તકલીફજનક બની રહે. સમગ્રતામાં વિચાર જરૂરી છે, સમગ્રતાનો અભિગમ જરૂરી છે અને સમગ્રતાલક્ષી આયોજન જરૂરી છે. • હેમુ ભીખુ