ગઈ નવેમ્બર 2025માં 90માં વર્ષમાં પ્રવેશનારા હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ સ્ક્રીનલેખક અને પ્રખ્યાત લેખક જોડી ‘સલીમ-જાવેદ’ના એક હિસ્સા સલીમ ખાનને અચાનક તબિયત બગડતા મુંબઈની Lilavati Hospitalમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને આઈસીયુમાં રાખી તબીબી ટીમ દ્વારા સતત નિરીક્ષણ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, ઉંમરને અનુરૂપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવે છે, જોકે સત્તાવાર મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું નથી. હોસ્પિટલ પ્રશાસન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
સમાચાર મળતા જ તેમના પુત્ર અને અભિનેતા સલમાન ખાન હોસ્પિટલ પહોંચ્યા હતા. સલીમ ખાનની પુત્રી અલવીરા ખાન, જમાઈ અતુલ અગ્નિહોત્રી અને પૌત્ર અયાન અગ્નિહોત્રીએ પણ હોસ્પિટલમાં સુપ્રસિદ્ધ પટકથા લેખકને મળવા ગયા હતા. અર્પિતા ખાનના પતિ, અભિનેતા આયુષ શર્મા પણ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. આ સમાચાર મળતાં જ હોસ્પિટલ બહાર મીડિયા અને ચાહકોની ભીડ જોવા મળી હતી, પરંતુ પરિવારે ગોપનીયતા જાળવવાની વિનંતી કરી છે. સલીમ ખાન હિન્દી સિનેમાના સોનાના યુગના મહત્વપૂર્ણ સર્જક ગણાય છે. ‘શોલે’, ‘દીવાર’, ‘ડોન’ જેવી અનેક યાદગાર ફિલ્મોના લેખનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના લેખનને કારણે 1970ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં એક નવી દિશા મળી હતી. સમાજના વિવિધ વર્ગોના સંઘર્ષ અને નાયકના મજબૂત પાત્રોને કેન્દ્રમાં રાખતી વાર્તાઓએ તેમને વિશેષ ઓળખ અપાવી હતી.
ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારો અને ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ જલ્દી સાજા થાય એવી શુભેચ્છાઓનો વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ તબીબી ટીમ દ્વારા જરૂરી તપાસ અને સારવાર ચાલુ છે. પરિવાર નજીકથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. આગામી દિવસોમાં તેમની તબિયત અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. ચાહકો અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો તેમની તંદુરસ્તી માટે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે અને જલ્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે.