સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે નવનિયુક્ત મનપા કમિશનર એમ નાગરાજને લાલ આંખ કરી છે. શહેરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન-2026 જેવી મહત્વકાંક્ષી યોજનામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. અજીતકુમાર પ્રવિણચંદ્ર ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા. 2 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ વિસ્તારોમાં વિવિધ થીમ અંતર્ગત સફાઈ નું આયોજન કરાયું છે. જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ ભાગળ વિસ્તારમાં માર્કેટ અને તેની આજુબાજુના વિસ્તારની સફાઈની થીમ હેઠળ કામગીરી નક્કી કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનના ભાગળ વેજીટેબલ માર્કેટ જેવા વિસ્તારમાં સવારે 8 વાગ્યે મનપા કમિશનર દ્વારા આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે જવાબદાર અધિકારી ડો. અજીત ભટ્ટ સ્થળ પર ગેરહાજર જણાયા હતા. આશ્ચર્યજનક રીતે માત્ર અધિકારી જ નહીં પરંતુ સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝર સ્ટાફનો પણ ત્યાં પતો નહોતો. અગાઉથી થીમ અને સ્થળની જાણકારી હોવા છતાં ડો. ભટ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની સુચારૂ દેખરેખ રાખવામાં આવી ન હતી. જેથી તેમની ફરજમાં ખૂબ જ ગંભીર બેદરકારી અને ફરજચૂકને લઈ તાત્કાલિક અસરથી તેઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.