Vadodara

આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો સામાન ખાક

આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા ભયનો માહોલ; ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

વડોદરા: શહેરના આજવા-વાઘોડિયા રિંગ રોડ વિસ્તારમાં આજે એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, આ આગ એક સોફા બનાવવાના ગોડાઉનમાં લાગી હતી.

આજવા-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા સોફાના ગોડાઉનમાંથી અચાનક કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જોઈ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, ગોડાઉનમાં રહેલો સોફા બનાવવાનો કાચો માલ અને અન્ય સામાન બળીને ખાક થઈ જતા મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Most Popular

To Top