આજે અચાનક જ એક મધ્યમ વર્ગની શાળાના સાતમા ધોરણમાં જવાનું થયું. પીરીયડ હતો સંસ્કૃતનો. પાઠ્યપુસ્તક જોતાં તેમાં રહેલાં સુભાષિતો વિશે વાત કરવાનું સરળ લાગ્યું. એક સુભાષિત પર નજર ઠરી. શબ્દો હતા ‘જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરીયસી.’ વાસ્તવમાં જ જેમ જન્મદાત્રી માતા માટે કહેવાય છે ને, મા તે મા – બીજા વગડાના વા, તે જ પ્રકારે આપણી માતૃભૂમિનું છે. અનાજ-પાણી તો ઠીક પણ પેટ્રોલ કે રાંધણ ગેસ પણ આ ધરતી માતા આપણને આપે છે. મા ભોમકાનાં ગુણગાન તો સૌ જાણીએ જ છીએ. સાહિત્ય ગણો કે ધર્મ ગ્રંથો, આ શબ્દો છે, રાજા રામચંદ્રના. લંકા વિજય પછી લક્ષ્મણજી આ સોનાની લંકાથી મોહિત થઇ લંકામાં જ સ્થાયી થવા કહે છે ત્યારે રાજા રામચંદ્ર લક્ષ્મણજીને સમજાવતાં આ શબ્દો કહે છે, લંકા ભલે સોનાની હોય, પરંતુ એ મને રોચતી (ગમતી) નથી. ‘જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.’ મિત્રો, સુરત જો સંજોગોવશાત્ બે – પાંચ – પંદર વર્ષ માટે જો ન કરે નારાયણ ને સુરત છોડવું પડ્યું તો અનુભવ થશે કે જન્મભૂમિ કેટલી આનંદદાયી છે.
પાલણપોર, સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.