રિવાઈવલ V/S રોયલ–સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે સીધી ટક્કર
વડોદરા:
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના વહીવટ માટે રવિવારે યોજાઈ રહેલી ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ સર્જાયો છે. પ્રમુખ સહિત કુલ 31 પદો માટે રિવાઈવલ જૂથ અને રોયલ–સત્યમેવ જયતે જૂથ આમને–સામને છે. ચૂંટણી પૂર્વે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી છે અને રવિવારે પંડ્યાબ્રિજ ઉતરતાં BCAના સભ્યની પ્રોપર્ટીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
આ ચૂંટણીમાં કુલ 2064 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બરોડા ક્રિકેટના ભવિષ્યની દિશા નક્કી કરતી આ ચૂંટણીને લઈ બંને જૂથોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. રિવાઈવલ જૂથ પોતાના વિકાસકામો અને ક્રિકેટ અનુભવના આધારે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે રોયલ–સત્યમેવ જયતે જૂથ પરિવર્તન અને પારદર્શિતાના નારા સાથે મેદાનમાં ઉતર્યું છે.
*પ્રમુખ પદ પર હાઈ-પ્રોફાઇલ* ટક્કર
પ્રમુખ પદ માટે રિવાઈવલ જૂથ તરફથી પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર કિરણ મોરે ઉમેદવાર છે, જે પોતાના અનુભવ અને સ્ટેડિયમ નિર્માણ સહિતના વિકાસ કાર્યોને મુખ્ય મુદ્દા બનાવી રહ્યા છે. જ્યારે તેમની સામે રોયલ–સત્યમેવ જયતે જૂથના દર્શન બેંકર અગાઉના વહીવટ અને ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક પ્રચાર કરી રહ્યા છે.
*ચૂંટણી પારદર્શક બનાવવા પ્રયાસ*
ચૂંટણીને પારદર્શક અને શિસ્તબદ્ધ બનાવવા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારયાદીમાં નોંધાયેલા 2094 નામોમાંથી 70 સભ્યો અંગે પ્રશ્નાર્થ ઊભો થતાં અંતિમ યાદી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. અવસાન પામેલા સભ્યો માટે મરણનો દાખલો Google Form મારફતે અપલોડ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
: કલર કોડ મુજબ મતદાન વ્યવસ્થા
મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા 2064 મતદારોને ચાર કલર કોડમાં વહેંચવામાં આવ્યા છે:
ગ્રીન: 1 થી 500
બ્લુ: 501 થી 1000
રેડ: 1001 થી 1500
યલો: 1501 થી 2064
મતદારો પોતાના કલર કોડ મુજબ નિર્ધારિત ટેબલ પર જઈ મતદાન કરશે.
: “બદલાવ લાવવાની જવાબદારી વોટર મેમ્બર્સની” – ઈરફાન પઠાણ
પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે જણાવ્યું હતું કે, “બરોડા ક્રિકેટમાં બદલાવ જરૂરી છે. કોચિસ બરોડા છોડીને બહાર કેમ જાય છે, તે વિચારવું પડશે. આ બદલાવ લાવવાની જવાબદારી વોટર મેમ્બર્સની છે. સાચો નિર્ણય લેવાશે તો જ વડોદરાનું ક્રિકેટ આગળ વધશે.”
: ચૂંટણી કમિશનરની કામગીરી પર સવાલ
રોયલ–સત્યમેવ જયતે જૂથના જતીન વકીલે ચૂંટણી કમિશનરની કામગીરી પર શંકા વ્યક્ત કરતા બેલેટ પેપર કલેક્ટરની કસ્ટડીમાં રાખવાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને હાઇકોર્ટના આદેશની અવગણના થઈ રહી છે.