જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ, વેપારીઓના પ્રશ્નો સહિત ગુજરાતના અનેક પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે
અમદાવાદ, તા. 12
આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે કોગ્રેસ દ્વારા ગાંધીનગરમાં ૧૬ ફેબ્રુઆરીએ ‘જન આક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં બપોરે ૧.૦૦ કલાકે ૧૬ ફેબ્રુઆરીના રોજ જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓ, લારી ગલ્લા, પાથરણાવાળા, આદિવાસીઓ, દલિતો,
બક્ષીપંચ સમાજ, કામદારોના પ્રશ્નો સહિત સમગ્ર ગુજરાતના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દિલ્લીનું એન્જિન મોંઘવારી વધારે છે ત્યારે ગુજરાતના એન્જિન ભ્રષ્ટાચારમાં બેફામ વધારો કરે છે. કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. હાલમાં દક્ષિણ ગુજરાતમાં કપરાડા થી ડેડિયાપાડા સુધીની ૧૧૦૦ કિલોમીટરની જનઆક્રોશ યાત્રા જેનું સમાપન ૧૩ ફેબ્રુઆરીના રોજ ડેડિયાપાડા થશે. સમગ્ર ગુજરાતમાં અનેક પ્રજાના પ્રશ્નો, પીડાઓ યાત્રા દરમિયાન સામે આવી હતી.
ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે તેમના દેવા સંપૂર્ણ માફ થાય તેવી માંગ કોંગ્રેસે ઉપાડી છે. ખેડૂતો ખાતરની તંગી થી પરેશાન છે. ખેડૂતો વીજ કંપનીઓ ની દાદાગીરી થી પરેશાન છે જબરદસ્તી ખેડૂતો ના ખેતરોમાં વીજળીના થાંભલા ઊભા કરી દીધા છે. જમીન સંપાદનમાં ખેડૂતો અન્યાય થી પરેશાન છે. ગુજરાત ના યુવાનોનું ફિક્સ પે, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા થી શોષણ કરવામાં આવી રહ્યું છે તે પ્રથા નાબૂદીની માંગ કોંગ્રેસ ઉઠાવી રહી છે.
ડ્રગ્સથી યુવાધન બરબાદ ના થાય તે ચિંતા કરવાની ખુબજ જરૂર છે. શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ડ્રગ્સ પેડલરો બેફામ થયા હોય તેવી ફરિયાદો ઉઠી છે. ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ, હોલસેલ હબ, રિટેલ હબ અને હવે ટ્રાન્ઝિટ હબ બની ગયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં બુલડોઝર રાજ હેઠળ દશકોથી વસતા હજારો ગરીબ લોકોને છત વગરના કરી દીધા છે. નાના વેપારીઓ, લારી ગલ્લા પાથરણાવાળા, મનરેગાના મજૂરોની અનેક સમસ્યા સામે આવી છે. આદિવાસીઓ ને જંગલ જમીનના હક્ક થી વંચિત રાખવામાં આવી રહ્યા છે.