Editorial

ન્યૂ સ્ટાર્ટ સંધિની સમાપ્તિ: અણુ શસ્ત્ર સ્પર્ધા વધવાનો ભય

દુનિયામાં અણુશસ્ત્રોનો ખડકલો ઘણો થઇ ગયો છે તેવા સમયે હાલ એક નોંધપાત્ર ઘટના બની છે. અમેરિકા અને રશિયા વચ્ચેની ન્યૂ સ્ટાર્ટ સંધિનો અંત આવ્યો છે. આ સંધિ એ ખરેખર તો અણુ શસ્ત્રોનો જથ્થો મર્યાદિત રાખવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે ૧૯૭૨માં શરૂ થયેલ કરારોની શ્રેણીમાંની હાલની છેલ્લી સંધિ હતી. આ સંધિનો અંત આવ્યો છે અને તેને સ્થાને હજી કોઇ નવી સંધિ થઇ નથી તેને કારણે અડધી સદી કરતાં પણ વધુ સમયમાં પ્રથમ વખત વિશ્વના બે સૌથી મોટા પરમાણુ ભંડારો માટે કોઈ મર્યાદા રહી નથી.

શસ્ત્ર નિયંત્રણ નિષ્ણાતોનું કહેવું છે કે ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિની સમાપ્તિ અનિયંત્રિત પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા માટે તખ્તો તૈયાર કરી શકે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગયા વર્ષે જાહેરાત કરી હતી કે જો વોશિંગ્ટન પણ તેનું પાલન કરે તો તેઓ વધુ એક વર્ષ માટે સંધિની મર્યાદાઓને વળગી રહેવા તૈયાર છે, પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેને લંબાવવા અંગે કોઈ ચોક્કસ ખાતરી આપી નથી. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ઈચ્છે છે કે ચીન નવા કરારનો ભાગ બને – જેનો બેઇજિંગે અસ્વીકાર કર્યો છે.

ન્યૂ સ્ટાર્ટ સંધિ પર 2010 માં તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા અને રશિયન સમકક્ષ દિમિત્રી મેદવેદેવ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં દરેક પક્ષ માટે મહત્તમ 1,550 પરમાણુ વોરહેડ્સ અને 700 મિસાઇલો તથા બોમ્બર્સની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ સંધિ મૂળરૂપે 2021 માં સમાપ્ત થવાની હતી પરંતુ તેને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. આ કરારમાં પાલનની ખરાઈ કરવા માટે સ્થળ પર નિરીક્ષણની જોગવાઈ હતી, જો કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં તે નિરીક્ષણ પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી અને ફરી ક્યારેય શરૂ થઈ નહોતી.

ફેબ્રુઆરી 2023 માં, પુતિને રશિયાની ભાગીદારી સ્થગિત કરી દીધી હતી, એમ કહીને કે જ્યારે વોશિંગ્ટન અને નાટો સાથીઓએ ખુલ્લેઆમ રશિયાની હારને તેમનું લક્ષ્ય જાહેર કર્યું હોય, ત્યારે રશિયા યુએસને નિરીક્ષણની મંજૂરી આપી શકે નહીં. ન્યૂ સ્ટાર્ટ એ 1972 માં SALT I થી શરૂ થયેલા પરમાણુ શસ્ત્રોને મર્યાદિત કરવા માટે મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચેના કરારોની લાંબી શ્રેણીમાં છેલ્લી બાકી રહેલી સંધિ હતી. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા રાખવા માંગે છે પરંતુ નવી સંધિમાં ચીનને સામેલ કરવા ઈચ્છે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ગુરુવારે જણાવ્યું હતું કે, ચીનના પરમાણુ દળો અમેરિકા અને રશિયાના સમાન સ્તરે નથી, તેથી ચીન હાલના તબક્કે નિઃશસ્ત્રીકરણ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં. આ ત્રણ મોટા અણુશસ્ત્રસજ્જ રાષ્ટ્રો ઉપરાંત બ્રિટન, ફ્રાંસ પાસે પણ અણુશસ્ત્રો છે અને ભારત, પાકિસ્તાન, ઇઝરાયેલ અને ઉત્તર કોરિયા અઘોષિત અણુ સત્તાઓ છે. આ દેશો પાસે પણ અણુશસ્ત્રો છે, તેમાં પણ ભારત અને પાકિસ્તાન પોતાના અણુશસ્ત્રો ધીમી પણ મક્કમ ગતિએ વધારી રહ્યા છે. આવા સંજોગોમાં વિશ્વની બે સૌથી મોટી અણુ સત્તાઓ વચ્ચે શસ્ત્ર નિયંત્રણની સંધિનો અંત આવી ગયો છે અને આ લખાય છે ત્યાં સુધી હજી બીજી કોઇ નવી સંધિ થઇ નથી. આશા રાખીએ કે વહેલી તકે બંને દેશો કોઇ નવી સંધિ કરે.

Most Popular

To Top