Vadodara

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીને JPCમાં સ્થાન, શિક્ષણ બિલમાં મહત્વની જવાબદારી

વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ 2025 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડૉ. હેમાંગ જોષીની નિમણૂક કરવામાં આવી છે. લોકસભામાં આજે સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમને નવનિયુક્ત સભ્ય તરીકે સ્થાન મળ્યું છે

આ સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 મળી કુલ 31 સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ તરીકે વરિષ્ઠ સાંસદ ડૉ. ડી. પુરંદેશ્વરીની નિયુક્તિ કરવામાં આવી છે.રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની ભલામણો અનુસાર આ બિલ દ્વારા UGC, AICTE અને NCTE જેવી વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક જ છત્ર હેઠળ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, જેથી શિક્ષણ પદ્ધતિમાં એકરૂપતા અને પારદર્શિતા આવી શકે.

સમિતિમાં કુલ 31 સભ્યોમાંથી ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યોનો સમાવેશ થયો છે. ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીને આ મહત્વપૂર્ણ સમિતિમાં સ્થાન મળવું શહેર અને રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

અન્ય સભ્યોમાં ડૉ. સંબિત પાત્રા, તેજસ્વી સુર્યા, બાંસુરી સ્વરાજ, અનુરાગસિંહ ઠાકુર અને દિગ્વિજય સિંહ સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બિલ આવનારા સમયમાં ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે માર્ગદર્શક અને ભવિષ્ય નિર્ધારિત કરનારું સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top