ગાંધીનગર,તા.11
ગાંધીનગર જિલ્લાના માણસા વિસ્તારમાં કોડીનયુક્ત કફ સિરપની ગેરકાયદેસર હેરાફેરી સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), ગાંધીનગર ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા ઓપરેશન હાથ ધરીને ખાનગી બાતમીના આધારે દરોડા દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી પ્રતિબંધિત દવા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. એસપી લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન.આર. પટેલ સહિતની ટીમે માણસા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન કારમાંથી આરોપી અંકુરકુમાર નારાયણભાઈ પટેલ (ઉમર 37, રહેવાસી – માણસા) પાસેથી અંદાજે 9 કિલો 700 ગ્રામ જેટલો કોડીન ફોસ્ફેટ ધરાવતો કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 97 બોટલ ‘REXTOP TR’ કોડીનયુક્ત કફ સિરપ, મોબાઇલ ફોન, ખાલી બોટલો, પોલિથિન થેલીઓ, વાહન, આર.સી. બુક, આધારકાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ જપ્ત સામાનની અંદાજિત કિંમત રૂ. 1,96,570 ગણાવવામાં આવી છે.
આરોપી સામે NDPS Act, 1985 ની કલમ 8(સી), 21(સી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ માણસા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ANTF દ્વારા રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે સતત કડક નજર રાખવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.