Columns

ગીતા વાંચતાં રહો

રોજ સવારે દાદાજી વહેલા ઊઠી ટેબલ પર રાખેલી ભગવદ્ ગીતા વાંચવા બેસે, દાદાજીનો આ રોજનો નિયમ. દાદાના પૌત્રને દાદાજી જેવા જ બનવું હતું એટલે પૌત્ર બધી રીતે દાદાજીના વર્તનની રીતભાતની નકલ કરે, દાદાની જેમ જ ચાલે, દાદાજીની જેમ બેસે, કામ કરે, ભગવદ્ ગીતા પણ વાંચે.  એક દિવસ દાદાજી વહેલી સવારે રસોડામાં ટેબલ પર બેસી ગીતાપઠન કરી રહ્યા હતા ત્યારે પૌત્ર તેમની પાસે આવ્યો અને પૂછ્યું, ‘‘દાદાજી, મેં આ ભગવદ્ ગીતા વાંચવાનો પ્રયત્ન ઘણી વાર કર્યો છે પણ મને એમાં કંઈ જ સમજ પડતી નથી.’’

દાદાજીએ કહ્યું, ‘‘ ભાઈ હું આટલાં વર્ષોથી વાંચું છું છતાં મને પૂરેપૂરું પુસ્તક હજી સમજાયું નથી. છતાં હું રોજ વાંચતો રહું છું.’’ પૌત્રે પૂછ્યું, ‘‘દાદાજી, જે વસ્તુ સમજાય નહીં તેવી વસ્તુ એક સરખી વાંચતાં રહેવાનો શું અર્થ?’’ દાદાજી કંઈ બોલ્યા નહીં, પોતાનું ગીતાપઠન પૂરું કરી રસોડામાં પડેલા કોલસા ભરેલી વાંસની ટોપલીમાંથી તેમણે બધા કોલસા ખાલી કરી ગુણીમાં ભર્યા અને પૌત્રને કોલસાની ખાલી વાંસની કાળી પડેલી ટોપલી આપી અને કહ્યું, ‘‘ જા નદીમાંથી આ ટોપલીમાં પાણી ભરીને લઈ આવ.’’ પૌત્રે નદી કિનારે જઈને ટોપલીમાં પાણી ભર્યું પણ ઘર સુધી આવતાં બધું પાણી નીચે ટપકીને પડી ગયું. 

દાદાજીએ કહ્યું, ‘‘ જા ફરીથી હવે જલ્દી દોડીને આવજે.’’ પૌત્ર નદી કિનારે ગયો. ટોપલીમાં પાણી ભરીને દોડીને ઘર સુધી આવ્યો છતાં ટોપલીમાંથી પાણી બધું સરકી ગયું. દાદાને તેણે કહ્યું, ‘‘ આ ટોપલીમાં પાણી ભરવું શક્ય જ નથી. કહો તો માટલામાં ભરી લાવું.’’ દાદાજીએ કહ્યું, ‘‘ ના મને માટલામાં ભરેલું નહીં, ટોપલીમાં જ ભરેલું પાણી જોઈએ છે. જા તું પૂરેપૂરી તાકાત લગાવી દોડજે અને ટોપલીમાં પાણી લઈ આવજે.’’

પૌત્ર આ વખતે પોતાની બધી જ તાકાત લગાવી પાણી ભરેલી ટોપલી લઈને દોટ મૂકી છતાં પણ પાણી તો ઢોળાઈ જ ગયું. ટોપલી તો ખાલી જ હતી.  પૌત્ર વારંવાર મહેનત કરીને કંટાળી ગયો પછી પૂછ્યું, ‘‘દાદાજી, આ ટોપલીમાં પાણી શું કામ તમારે મંગાવવું છે, તેમાં પાણી લાવવું શક્ય જ નથી. જુઓ, ટોપલીમાંથી પાણી સરકી જ જાય છે.’’ દાદાજી બોલ્યા,  ‘‘બેટા, ભલે ટોપલીમાં પાણી ન ભરાય પરંતુ તું ટોપલીને જો. કોલસા ભરેલી કાળી ટોપલી સાફ થઈને એકદમ સાફ સુથરી થઈ ગઈ છે.’’ દાદાજીએ આગળ કહ્યું, ‘‘ દીકરા આવું જ ગીતાપઠનનું છે. પહેલાં ન સમજાય, બીજી વારમાં થોડું સમજાય, ત્રીજી વારમાં થોડું વધુ સમજાય, પૂરેપૂરું ભલે ન સમજાય પણ તમારા મન મગજને ધીમે ધીમે ચોખ્ખા કરવાનું કામ અચૂક કરે છે.’’ તક મળે ત્યારે ગીતાપઠન કરતાં રહેવું. સાત્ત્વિક વાચન અને સત્સંગ મન મગજને સાફ કરે છે.

Most Popular

To Top