છોટા ઉદેપુર: ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને સરકાર દ્વારા મળતી વિનામૂલ્યે સારવાર સાથે વધારાનું પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી નિક્ષય મિત્ર યોજના અંતર્ગત ટીબી દર્દીઓને સારવાર શરૂ થવાથી લઈને સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી દત્તક લઈ પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દર્દીઓ યોગ્ય પૌષ્ટિક આહાર મેળવી ઝડપથી રોગમુક્ત બને તે મુખ્ય ઉદ્દેશ છે.
આ દેશવ્યાપી ઝુંબેશમાં જોડાઈ ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબી દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડો. બી. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુરના ટ્રસ્ટી સંજયભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. કુલદીપ શર્મા, વાલસિંગભાઈ રાઠવા, મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય તેમજ ટીબીની સારવાર લઈ રહેલા લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોએ નિક્ષય મિત્ર યોજનાની મહત્વતા સમજાવી અને વધુ સંસ્થાઓને આ માનવસેવી કાર્યમાં જોડાવા અપીલ કરી હતી.
—
રિપોર્ટર: સંજય સોની, છોટાઉદેપુર