SURAT

સુરતના આ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, આ રીતે થયો પર્દાફાશ

સુરત શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટ પર પોલીસે કાર્યવાહી કરી છે. સુરત નાં પાલનપુર ગામ સ્થિત રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ચાલતા એક સ્પા સેન્ટરમાંથી પોલીસે દરોડા દરમિયાન ત્રણ ગ્રાહકો સહિત કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે ચાર મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દરોડાએ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

પોલીસ તપાસ દરમિયાન સ્પાના કાઉન્ટરમાંથી અને ડ્રોઅરમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે. મહિલાઓના નામ, ગ્રાહકોનો હિસાબ અને રોજિંદા વહીવટની નોંધ ધરાવતી ચાર નાની અને એક મોટી ડાયરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે 39 ટોકન અને 11 મોબાઈલ ફોન પણ મળ્યા છે જેમાં ગ્રાહકોને મોકલવામાં આવતા ફોટા અને સંપર્ક વિગતો હોવાનું સામે આવ્યું છે. આ ડાયરીઓ અને ફોન આ રેકેટના વિસ્તૃત નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ માટે મહત્વની કડી બનશે.
વધુમાં તપાસમાં ખુલ્યું છે કે સ્પાના સંચાલકો પોલીસથી બચવા માટે અત્યંત સાવચેત વ્યવસ્થા રાખતા હતા. અંદર અને બહાર CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા અને લોબીમાં એક યુવક સતત નજર રાખતો હતો, જેથી કોઈ શંકાસ્પદ હલચલની અગાઉથી જાણ થઈ શકે. હાલ પોલીસે CCTVનું DVR પણ કબ્જે કર્યું છે.

આ કાર્યવાહી દરમિયાન બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય માલિક ફરાર છે. પકડાયેલા આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર માલિકને પકડવા માટે પોલીસે ટીમો ગોઠવી શોધખોળ તેજ કરી છે.

Most Popular

To Top