સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. વાલક પાટિયા વિસ્તારમાં આવેલા કરૂણેશ હોમ ગ્રીન વેલી પાસે આજે સવારે સાડા ત્રણ વર્ષના માસૂમ બાળક પર ચારથી પાંચ શ્વાનોએ એકસાથે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. ઘર પાસે જ નિર્દોષ રીતે રમી રહેલા બાળક પર અચાનક શ્વાનો તૂટી પડ્યા હતા અને શરીરના વિવિધ ભાગોમાં બચકા ભર્યા હતા.
સુરતના લસકાણા વિસ્તારના વાલક પાટિયા ખાતે વોચમેન તરીકે નોકરી કરતા હિમલ બાયકનો પુત્ર ગણેશની ઉંમર માત્ર 3.5 વર્ષ છે. ઘર નજીક ગણેશ રમતો હતો. એ દરમિયાન નજીક ભટકતા ચારથી પાંચ શ્વાનો એકસાથે તેની તરફ દોડી આવ્યા અને હુમલો કર્યો હતો. શ્વાનોના ઝુંડ વચ્ચે બાળક કણસતો રહ્યો, જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા અને ભારે મહેનત બાદ શ્વાનોને ભગાડી બાળકને બચાવ્યો હતો.
હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થયો હતો. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને બાદમાં વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.સિવિલ હોસ્પિટલ નાં તબીબો નાં જણાવ્યા મુજબ બાળકના માથા અને શરીરના અલગ અલગ ભાગોમાં ઘા લાગતા તેને 30થી 35 જેટલા ટાંકા લેવા પડ્યા છે. હાલ તેની સારવાર ચાલુ છે અને સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અગાઉ પણ રખડતા શ્વાનોના હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે. પાલિકા દ્વારા ડોગ ફીડિંગ સ્પોટ, રસીકરણ અને ખસીકરણ જેવી કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ સમય જતા આ કામગીરી અસરકારક રીતે ચાલતી ન હોવાનો આક્ષેપ ઉઠી રહ્યા છે. પાલિકાએ ત્રણ વર્ષમાં શ્વાન નિયંત્રણ માટે 5.58 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં આવા બનાવો સતત વધી રહ્યા છે.