SURAT

દીકરીના લગ્નની તારીખે જ બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન, કાર્ડિયાક અરેસ્ટને કારણે અંગદાન ન થઈ શક્યું

શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. દીકરીના લગ્ન માટે નક્કી કરાયેલ તારીખે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાના કારણે પરિવારમાં અને સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પારિવારિક કલેશને કારણે પોતાના લમણા પર ગોળી ધરબી દેવાની આશંકા બાદ તુષાર ઘેલાણી આખરે જીંદગીની જંગ હારી ગયા હતા.

છેલ્લા ચાર દિવસથી જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહેલા તુષાર ઘેલાણીને ગતરોજ તબીબોએ ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યા હતા. આ કપરી ક્ષણોમાં પણ તેમના પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતાં અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં અચાનક હૃદય બંધ પડી જતાં માત્ર ચક્ષુદાન જ શક્ય બની શક્યું હતું.
પરિવારની સંમતિ મળતાં જ ‘ડોનેટ લાઇફ’ સંસ્થાની ટીમ મહાવીર હોસ્પિટલ પહોંચી હતી. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સહિત અન્ય તબીબી ટીમો પણ અંગદાન માટે તૈયાર હતી. તમામ કાનૂની અને તબીબી પ્રક્રિયા પૂર્ણ થવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ અચાનક તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તબીબોની ટીમે તેમને બચાવવા માટે લગભગ 15થી 20 મિનિટ સુધી સીપીઆર આપ્યો હતો પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યાં હતા અને અંતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

બિલ્ડર તુષાર ઘેલાણીનું હવે ફક્ત ચક્ષુદાન જ થશે
ડોનેટ લાઈફ ઇન્ડિયાના સંચાલક નિલેશ માંડલેવાળાના જણાવ્યા પ્રમાણે બ્રેનડેડ જાહેર કરાયા બાદ આજે સ્વ.તુષાર ઘેલાણીના લીવરના દાનની તૈયારી થઈ ગઈ હતી પણ તે દરમ્યાન તેમને મેસીવ હાર્ટ એટેક આવતા તેઓએ દેહ ત્યાગ કરી દીધો હતો. જેથી હવે તેમના અંગોનું દાન નહિ થઈ શકશે નહીં. તેમના ચક્ષુઓનું દાન કરવાની પ્રક્રિયા લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સાથે મળીને કરવામાં આવી રહી છે.

આ ઘટનાને કારણે કિડની, લિવર કે હૃદય જેવા અન્ય મહત્વના અંગોનું દાન શક્ય બની શક્યું નહોતું. અંતે માત્ર બંને આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું, જેનાથી બે જરૂરિયાતમંદ લોકોને નવી દૃષ્ટિ મળવાની આશા જગાઈ છે.
ઉલ્લેખનીય છે કે તુષાર ઘેલાણી તાજેતરમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગતરોજ તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે (ગુજરાત રાજ્યની અંગદાન સંસ્થા)ને અંગદાન માટે સંમતિ પાઠવી હતી. પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

તુષારભાઈના મોતના સમાચાર મળતા ઉદ્યોગપતિ મુકેશ પટેલ, સામાજિક કાર્યકર મહેશ સવાણી સહિત અનેક ઉદ્યોગજગતના આગેવાનો અને તુષારભાઈના મિત્રવર્તુળ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તુષાર ઘેલાણીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી કાઢવામાં આવી હતી અને ઉમરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સુરતના અનેક અગ્રણીઓ અંતિમ વિદાયમાં જોડાયા હતા. દીકરીના લગ્ન માટે સજાવાયેલ ઘર શોકમાં ડૂબેલું છે. જે દિવસે ઉજવણી થવાની હતી એ જ દિવસે પિતાની અંતિમ વિદાય તથા પરિવાર શોકમાં ઘેરાયો હતો.

Most Popular

To Top