પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 129મો એપિસોડ આજે 28 ડિસેમ્બર રવિવારે પ્રસારિત થયો. વર્ષ 2025નો આ છેલ્લો એપિસોડ હતો. આ અવસરે પીએમ મોદીએ વર્ષ 2025 દરમિયાન દેશે હાંસલ કરેલી મહત્વપૂર્ણ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ નવા વર્ષ 2026 માટેના પડકારો, શક્યતાઓ અને વિકાસના માર્ગ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું હતું કે 2026નું વર્ષ નજીક આવી રહ્યું છે અને આખા વર્ષની યાદો તેમના મનમાં ફરી વળે છે. તેમણે કહ્યું કે 2025 એ ભારત માટે ગર્વભર્યું વર્ષ રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રથી લઈને વૈશ્વિક મંચ સુધી ભારતે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.
‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અભિયાન દરેક ભારતીય માટે ગર્વનું પ્રતીક બની ગયું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન કરતું નથી. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સમગ્ર વિશ્વમાં ભારત માતા પ્રત્યે પ્રેમ અને ભક્તિની ભાવના જોવા મળી હતી. ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે પણ આવી જ દેશભક્તિની લાગણી ઝલકી હતી.
રમતગમત ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ પર વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે પુરુષ ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, જ્યારે મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો. મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો અને એશિયા કપ T20 માં પણ ભારતે તિરંગાનો માન વધાર્યો.
વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા. પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે પણ 2025 દરમિયાન અનેક નવી પહેલો શરૂ કરવામાં આવી અને દેશમાં ચિત્તાઓની સંખ્યા 30થી વધુ થઈ છે.
કુંભ મેળાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે પ્રયાગરાજ મહાકુંભએ સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું. વર્ષના અંતે અયોધ્યામાં રામ મંદિર ખાતે યોજાયેલ ધ્વજવંદન સમારોહ પણ દરેક ભારતીય માટે ગર્વનો ક્ષણ બન્યો હતો.
આ સાથે જ પીએમ મોદીએ ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’માં ભાગ લેવાની જાહેરાત કરી અને યુવાનોને દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. તેમણે તમિલ ભાષા અને કાશી તમિલ સંગમનો પણ ઉલ્લેખ કરીને ભારતની એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને ઉજાગર કરી હતી.