આજકાલ મોટા ભાગનાં મુખ્ય ગુજરાતી અખબારોમાં દહેજ ન લાવવાને કારણે કે ઓછું લાવવાનું ઓઠું લઈ પત્નીઓને મારઝૂડ કરવાના, કાઢી મૂકવાના, તરછોડી દેવાના કે જીવતી સળગાવી દેવાના સમાચાર વાંચી હૈયું કકળી ઊઠે છે. ગામડાંઓમાં તો આ દૂષણ વર્ષોથી ઘર કરી ગયું છે, પરંતુ હવે તો મોટાં શહેરોમાં પણ આ દૂષણે પગપેસારો કર્યો છે. અભણ કે નિરક્ષર લોકો તો આ સામાજિક કોચલામાંથી બહાર આવી શકતાં નથી, પરંતુ ઉચ્ચ શિક્ષિત વર્ગ પણ આમાંથી બાકાત નથી.
ભારતનાં અમુક રાજ્યોમાં તો આ દહેજ નામના દાનવે એવો ભરડો લીધો છે કે, છોકરીના માવતરે છોકરાવાળાને ફરજીયાત દહેજ, પહેરામણી કે દાયજો આપવો જ પડે છે, નહીં તો લગ્નના માંડવેથી છોકરાવાળા બારાત પાછી વાળી કન્યાવાળા પક્ષને ઘૂંટણિયે પાડવા મજબૂર કરે છે. દહેજ ચૂકવવાની લ્હાયમાં છોકરીના પિતાને દેવું કરવાના, લોન લેવાના, જમીન જાયદાદ વેચી દેવાના કે ગિરવે મૂકવાના સંજોગો ઊભા થાય છે. દહેજના ખપ્પરમાં કેટલીય કોડભરી કન્યાઓનાં જીવતર રોળાય છે. લોકો સામાન્ય લોજિક ચલાવતાં નથી કે દહેજનો પૈસો આખી જિંદગી ચાલવાનો નથી, પરંતુ એક ગરીબ પણ ખાનદાન છોકરી પોતાના સંસ્કારો થકી સાસરવેલની શોભા વધારે છે.
– યોગેશભાઈ આર. જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કૈસે કૈસે હે યે લોગ?
11 નવેમ્બરનો અખબારી અહેવાલ વાંચી અત્યંત દુ:ખની લાગણી અનુભવાઈ. રિસિન રાસાયણિક ઝેર જે માનવવસ્તી માટે ખતરનાક ગણાય છે. 11મી એ દિલ્હીમાં આતંકના સમાચાર જાણ્યા ! જે સંપૂર્ણ માનવતાવિરોધી – નિંદનીય કૃત્ય હતું. શિક્ષિત વ્યક્તિઓ આ નિંદનીય કૃત્યમાં શામેલ હતા! એમના શિક્ષણમાં માનવતાવિરોધી વાત શીખવવામાં આવી હશે? માનવીની જિંદગીની કોઈ કિંમત જ નહીં ? એક વ્યક્તિ બાંગલા દેશ મારફતે ભારત પર હુમલાની તૈયારીમાં\R! યુવાનો અને વિદ્યાર્થીઓને કટ્ટરવાદ માટે તૈયાર કરવામાં આવે\R! દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘણા ઘાયલ પણ થયાં અને મૃત્યુ પણ પામ્યાં. કેટલી કરુણતા! આવાં કૃત્યો શાંતિ ડહોળી નાંખે. તબીબો પણ આ કૃત્યોમાં શામેલ! દુ:ખદ આશ્ચર્ય જ કહેવાય! તબીબી શાસ્ત્ર પ્રજાના જીવનની રક્ષા માટે હોય અને આ તબીબો આવાં અમાનવીય કૃત્યોમાં સાથ આપે? શાંતિથી જીવો અને જીવવા દો. માનવતાનું રક્ષણ તો થવું જ જોઈએ.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.