ટેટૂ અર્થાત છૂંદણાં કે ત્રાજવાં ત્રોફાવવાની પરંપરા જૂની છે પણ તે મુખ્યત્વે સ્ત્રીઓમાં હતી. ગોરી ત્વચાઓ પર માફકસરના ટેટૂઓ સૌંદર્ય અને શણગારમાં વૃદ્ધિ કરતાં પરંતુ આજના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ ટેટૂ ચિતરાવે છે અને સોહામણાને બદલે કઢંગા વધુ લાગે છે. ઘણા તો આખું શરીર ભરી મૂકે છે. ટેટૂ સલૂનો દેશના દરેક નાનાં મોટાં શહેરોમાં ખૂલી ગયાં છે.
પ્રેમાવેશમાં યુવાન યુવતીઓ એકમેકનાં નામો શરીર પર લખાવે. આજકાલ પ્રેમની એક્સપાયરી ડેટ ઘણી વખત અમુક મહિનાઓની કે અમુક વર્ષોની હોય છે પણ ટેટૂની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. ખાસ સર્જિકલ પ્રોસીજર વડે દૂર ન કરાય તો તે સ્મશાન સુધી સાથે આવે છે. પ્રેમ ક્ષણભંગુર નિવડે છે, ટેટૂ નહીં. પ્રેમભગ્ન થયા બાદ શરીર પરના ટેટૂનો માનસિક ભાર લાગે છે. વળી અનુક્રમમાં બીજા, ત્રીજા કે ચોથા પ્રેમી, પ્રેમિકાઓને એ અગાઉના ટેટૂ શોક્ય જેવા લાગે છે. તેથી તેને ફરજિયાત દૂર કરાવવા પડે છે અને જો ન કરાય તો નવા પાત્ર સાથે ઝગડા કરાવે છે, માટે ટેટૂ ચિતરાવવા હોય તો ફૂલો, પક્ષી કે ભગવાનના ચિતરાવવાં જે કાયમ સાથે રહેશે તો પણ શાંતિ આપશે. પ્રેમના તાવ તાવમાં પ્રેમીઓ છૂંદણા છૂંદાવે ત્યારે તેઓને ખરેખર એવું લાગતું હોય કે તેઓ જિંદગીમાં ક્યારેય છૂટા પડશે નહીં. આવી પ્રબળ છતાં મૂરખ, ફિલ્મજગતમાં તો મૂર્ખોત્તમ, ભાવનાને વશ થઇ દીપિકા પાદુકોણે પોતાના ગળા પર રણવીર કપૂરનું નામ દસ ગજ દૂરથી વાંચી શકાય એ રીતે ચિતરાવ્યું હતું પણ પછી દુનિયાને થોડા મહિનાઓમાં જ ખબર પડી કે રણવીરના નામનું ટેટૂ ચિતરાવવાનું જરૂરી હોય તો તે કેટરીના માટે હતું. એ જરૂરત પણ થોડા સમયમાં ફૂસ્સ થઇ ગઇ. આવી જ સ્થિતિ બોલીવૂડમાં કંગના રણૌત, પ્રતીક બબ્બર, પ્રિયંકા ચોપડા અને ખુદ રણવીર કપૂર માટે પેદા થઇ હતી. ચિતરાવ્યા પછી પસ્તાવાનો વખત આવે તે સ્થિતિ માટે હમણાંથી ટેટૂ રિગ્રેટ નામનો શબ્દ કોઇન થયો છે. હોલીવૂડનાં એન્જેલીના જોલી, જ્હોની ડેપ, મેગન ફોક્સ, એમી જેકસન વગેરે કલાકારોએ ટેટૂ રિગ્રેટ અનુભવવો પડ્યો છે.
દુનિયાના અનેક સ્ત્રીઓ અને પુરુષોએ ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાવવામાં માટે આખાના આખા શરીરોને ટેટૂથી મઢી દીધા છે. અગાઉ તો કાળો-ભૂરો કલર જ વપરાતો. હવે અનેક રંગ વપરાય છે પણ શરીર પર જેટલાં ટેટૂ વધારે એટલું અઘરું અને જહેમતી કામ તેને ભૂંસવાનું છે. આજના સલૂનવાળાઓને નવા ચિતરાવવાનાં અને જૂના ભૂંસવાનાં બન્ને કામો ભરપૂર મળે છે. તેમાં ય પ્રેમીઓ માટે હૃદયમાંથી કોઇનું નામ ભૂંસવું પીડાદાયક છે તેવું પૂર્વ પ્રિયતમા, પ્રિયતમાનાં છૂંદણાં વિષે પણ છે.
પશ્ચિમના ટીવી જગતમાં ‘સેટર ડે નાઈટ લાઈવ’ નામનો કાર્યક્રમ ખૂબ પોપ્યુલર છે. તેના સ્ટાર કલાકાર ડેવિડસનના શરીર પર એક-બે નહીં, પૂરાં 200 ટેટૂ હતાં. એ તેને જોઈને કંટાળી ગયો. આખરે દૂર કરાવવાની પ્રોસિજર આદરી, જે ચાર વર્ષ ચાલી અને હજી હમણાં જ એ ટેટૂમુક્ત થયો છે. એક નાણાં ધીરનાર જેને જેને નાણા ધીર્યાં હોય તેઓનાં નામો પોતાના સાથળ પર યાદીના રૂપમાં ટેટૂ કરાવવી લેતો હતો. એનું ખૂન થઇ ગયું ત્યારે છૂંદણાં પ્રગટ્યાં હતાં. એણે એ ધારીને નામો છૂંદાવ્યાં હતાં કે પોતે મરી જશે ત્યારે વારસદારો એ યાદીના આધારે ઉઘરાણી કરી શકશે. જે જે પૈસા પરત આપતા તેના નામ પર એ ચોકડીનું છૂંદણું મુકાવતો. એ રીતે એ પ્રામાણિક કહેવાય. ડેવિડસનની વાત ફરીથી કરીએ તો એક ‘રિફોર્મેશન’ નામક બ્રેન્ડના ફેશન શોમાં ડેવિડસને માત્ર એક ટૂંકી ચડ્ડી પહેરીને મોડેલિંગ કર્યું ત્યારે દુનિયાએ જોયું કે એણે શરીરનાં તમામ ટેટૂ દૂર કરાવી નાખ્યાં છે. શરીર કચરાપેટી જેવું નહીં પણ સ્વચ્છ જણાતું હતું. પ્રોસિજર લાંબી તો ચાલી અને ખૂબ પીડાદાયક પણ રહી હતી. ડેવિડસને આખી પ્રોસિજરને ‘હોરીબલ’ ગણાવી. છૂંદણા ચિતરાવો ત્યારે દુ:ખ ઓછું થાય પણ દૂર કરાવો ત્યારે ચામડી દાજી જાય. જો કે હવે પીડાશામક ઇન્જેક્શનો, સ્પ્રે વગેરે હોય છે તેથી ખાસ દર્દ જણાતું નથી પરંતુ વર્ષો સુધી અનેક રિમૂવલ સેશન્સ માગી લે છે.

રિમૂવલની એક પ્રોસિજર લેઝર ટેકનોલોજી વડે થાય છે. લેઝરના ઘનિષ્ટ પલ્સીઝ, ધબકારા ટેટૂ પર છોડાય છે. તેથી ચામડી સાથે ઓતપ્રોત થઇ ગયા હોય તે ટેટૂ-શાહીના પાર્ટિકલ્સ ચામડીથી છૂટા પડવા માંડે છે. તે બારીક અને સૂક્ષ્મ બની શરીરની રક્તવાહિકા વ્યવસ્થા તેને કચરાની માફક શરીરની બહાર ફેંકી દે છે.
કોઇ પણ બે સેશન્સ વચ્ચે દોઢથી બે મહિનાનો સમય લાગે અને જેટલા વધુ સેશન્સ એટલો વધુ ખર્ચ. ડેવિડસનને લગભગ 200 જેટલાં ટેટૂઓ દૂર કરાવવા માટે બે લાખ અમેરિકી ડૉલર, લગભગ પોણા બે કરોડ ભારતીય રૂપિયાનો ખર્ચ થયો હતો. શરીર પર એક નાનું ટેટૂ હોય તેને દૂર કરવા અમેરિકામાં એક સેશનના 50 અને એક મોટું હોય તો 100 ડૉલર ચૂકવવા પડે છે.
મોટી ડિઝાઈનો દૂર કરવા માટે કમ સે કમ છ સેશન્સની જરૂર પડે છે. ઘણી વખત જૂના, અને ઉંમર તેમ જ શરીર વધવાની સાથે ફેલાઈને અસ્પષ્ટ બની ગયેલા ટેટૂઓ સાથે નવી આકૃતિઓ રચીને નવું સ્વરૂપ અપાય છે. અગાઉ માત્ર શ્યામ રંગ વપરાતો. હવે લાલ, ઓરેન્જ, પીળો, લીલો, ગુલાબી, કથ્થઇ વગેરે અનેક રંગો વપરાય છે. રંગો જેટલા વધુ અને પેટર્ન જેટલી જટિલ એટલો વધુ ખર્ચ અને વધુ સમય રિમૂવલ માટે લાગે છે. હૃદયથી ટેટૂનું સ્થાન જેટલું વધુ દૂર એટલો વધુ સમય તેને રિમૂવ કરવામાં લાગે. હૃદયની નજીકનું પ્રમાણમાં જલ્દી દૂર થાય. જેમ કે ખભા, છાતી કે બાવડાં પરનાં ટેટૂ. નજીક હોવાથી હૃદય તેમ જ ઇમ્યુન સિસ્ટમે વધુ મહેનત કરવી પડતી નથી. મોટા ભાગના રંગો પાઈકોસેકન્ડ લેઝર વડે દૂર થાય છે. લીલી શાહીના ટેટૂ રિમૂવલ માટે રૂબી લેઝર, કાળી અને શ્યામ શાહી માટે ‘ND:YAG’ લેઝર વપરાય છે. વ્યક્તિની ત્વચાનો રંગ પણ રિમૂવલને અસર કરે છે. શ્યામ ત્વચા પરથી તેને દૂર થવામાં વાર લાગે છે. છતાં માણસ છે, તેથી નવી કહેવત રચવી પડે કે એક નૂર આદમી હજાર નૂર નખરા.- વિન્સી મરચન્ટ