હાઈકોર્ટનો ઠપકો : ડભોઈ જમીન કેસમાં બ્યુરોક્રસીની નિષ્ક્રિયતા સામે કડક કાર્યવાહી
આજે 11 વાગે મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિને હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની એક જમીન સંબંધિત કેસમાં ગુજરાત હાઈકોર્ટે કાયદાની સિદ્ધિઓ સામે પડકારરૂપ બનેલી નિષ્ક્રિય બ્યુરોક્રસીના ચહેરા પરથી પડદો ઉઠાવતાં, ગત 22 એપ્રિલે તત્કાલીન કલેક્ટર બીજલ એ. શાહ અને વર્તમાન કલેક્ટર ડો. અનિલ ધામેલીયાને સ્પષ્ટપણે દોષિત ઠરાવ્યા હતા. આ કેસમાં ૩૦ વર્ષ પછી પણ હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં એનએ (બિનખેતી) માટે મંજૂરી આપવામાં દુરાગ્રહ વલણ દેખાયું, જેને લઈને અદાલત ખૂબ જ કડક બની હતી. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, એએલસી એક્ટના ૫૦ વર્ષ પછી પણ એન્ટ્રીઓના આધારે અરજીમાં વિલંબ કરવો એ માત્ર ઢાંકપિંછુપ છે. પૂર્વ કલેક્ટર બીજલ શાહને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ માટે રૂ. ૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે વર્તમાન કલેક્ટર અનિલ ધામેલીયાને સિવિલ કન્ટેમ્પ્ટ માટે રૂ. ૨૫,૦૦૦ નો દંડ આપ્યો હતો અને બંને અધિકારીઓએ આ રકમ ચાર સપ્તાહની અંદર અરજદારોને ચૂકવવી પડશે તેવું કોર્ટે આદેશ કર્યો હતો. વધુમાં આ કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, “કેમ અમુક કેસોમાં ફાઈલો ઝડપથી ક્લિયર થઈ જાય છે અને કેમ અમુકમાં વર્ષો વીતી જાય છતાં પણ નિર્ણય આવતો નથી – અદાલતને બધું ખબર પડે છે.” આવા વલણો હાઈકોર્ટના આદેશોની ઐસી-તૈસી છે અને તે સરકારના સંશાધનો તથા ન્યાયિક વ્યવસ્થાના અપમાન સમાન છે.

તેમ છતાં 5 મે 2025ના રોજ કેસમાં વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો, જ્યારે રાજ્યના એડવોકેટ જનરલ હોવા છતાં અધિકારીઓએ ખાનગી વકીલના માધ્યમથી દલીલો કરવાનો પ્રયાસ કર્યો. હાઈકોર્ટે આ પ્રયત્નને ‘શરમજનક’ ગણાવ્યો અને પૂછ્યું કે, “શું રાજ્ય સરકારે ખાનગી વકીલને મંજૂરી આપી છે? શું રાજ્ય આવા અધિકારીઓ સામે પગલાં લેશે કે નહીં?” મુખ્ય સચિવ અથવા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિ પાસેથી સોગંદનામું માગવામાં આવ્યું છે, જેને 6 મે સુધી રજૂ કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. હાઈકોર્ટે જણાવ્યું કે, “કોર્ટના આદેશોનું પાલન ન થવું એ માત્ર બેદરકારી નહીં પરંતુ અદાલતની સત્તાને અવગણવાનો પ્રયાસ છે.” આ નિવેદનથી હાઈકોર્ટના રોષની તીવ્રતા સ્પષ્ટ થાય છે. હવે આ મામલો કન્ટેમ્પ્ટ કોર્ટ સમક્ષ મુકાઈ શકે છે અને વધુ ગંભીર કાર્યવાહી પણ થઈ શકે છે.