National

ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદી ગટરમાં પડી, રાજસ્થાનમાં દાહોદના પરિવારના 5ના મોત

જયપુરઃ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આજે ગુરુવારે સવારે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. સિરોહી પાસે હાઇવે પરથી કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે કારની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, જેના લીધે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કારનું ટાયર ફાટી ગયું હતું. બાદમાં કાર ડિવાઈડર કૂદીને ગટરમાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાં માતા-પુત્ર સહિત 5 લોકોનાં મોત થયાં હતાં. એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે.

  • ભાટી પરિવારના 5 લોકોના મોત, એક મહિલા ઈજા ગ્રસ્ત
  • પરિવાર મૂળ વતન ફલોદી દિવાળી માટે જઈ રહ્યો હતો

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બ્યાવર-પિંડવારા હાઈવે (NH-62) પર ગુરુવારે સવારે લગભગ 7.15 વાગ્યે કારનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો. કારમાં સવાર લોકો ગુજરાતના દાહોદથી રાજસ્થાનના ફલોદી તરફ જઈ રહ્યા હતા. ડીએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યું કે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેવર-પિંડવારા NH-62 પર થાનેશ્વરજી પુલિયા પાસે કારનું ટાયર ફાટ્યું હતું. સ્વિફ્ટ કાર ડિવાઈડર તોડી હાઈવે નીચે ગટરમાં પડી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

સીઆઈ કૈલાશ દાન બરહતે જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત કારને બહાર કાઢવામાં આવી હતી. ઘાયલ મહિલાને સલામત રીતે બહાર કાઢીને સિરોહી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સિરોહીના કલેક્ટર અલ્પા ચૌધરી, એસપી અનિલ કુમાર અને ડીએસપી મુકેશ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

દિવાળીની ઉજવણી માટે પરિવાર ફલોદી જઈ રહ્યો હતો
આ પરિવાર છેલ્લાં 40 વર્ષથી ગુજરાતના દાહોદના લીમખેડામાં રામ દેવ મંદિર પાસે રહેતો હતો. તેમનું મૂળ વતન રાજસ્થાનનું ફલોદી હતું. દિવાળીની ઉજવણી માટે પરિવાર ફલોદી જઈ રહ્યો હતો. પરિવારમાં પ્રતાપ કાંતિ લાલ ભાટી (53), રામુરામ પ્રેમરામ ભાટી (50), ઉષા પ્રતાપ ભાટી (50), પુષ્પા જગદીશ ભાટી (25) અને આશુ જગદીશ ભાટી (11 મહિના) નું મૃત્યુ થયું હતું. રમેશ ભાટીની પત્ની શારદા (50) ઘાયલ થઈ હતી.

Most Popular

To Top