નવી દિલ્હી: ફિફાએ (FIFA) જુલાઈ મહિના માટે પુરુષોના ફુટબોલ ટીમોની નવી રેન્કિંગ જાહેર કરી હતી. આ રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમને ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે ભારતીય ફૂટબોલ ટીમ ગુરુવારે જાહેર કરવામાં આવેલી ફિફા મેન્સ રેન્કિંગમાં 124માં સ્થાને છે.
અગાઉ ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ (Indian men’s football team) જૂનમાં જાહેર કરાયેલ ફિફા રેન્કિંગમાં 121મા ક્રમે હતી, પરંતુ હવે તે ત્રણ સ્થાન નીચે આવી ગઈ છે. વાસ્તવમાં ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયરમાં ટીમ ઈન્ડિયાને અફઘાનિસ્તાન અને કતારથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ફૂટબોલ ટીમ પુરૂષોને નવા રેન્કિંગમાં નુકસાન થયું હતું. તેમજ આ બે મેચમાં મળેલી હારને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહી હતી.
ભારતીય ટીમ સતત નીચે ઉતરી રહી છે
ભારતીય ફૂટબોલ ટીમ ગયા વર્ષે ડિસેમ્બરથી રેન્કિંગમાં સતત નીચે ઉતરી રહી છે. ત્યારે ભારતીય ટીમ ગયા વર્ષે ટોપ 100માં પહોંચી હતી જેમાં ટીમની શ્રેષ્ઠ રેન્કિંગ 99 હતી. પરંતુ ત્યારથી ભારતીય ટીમ સતત નીચે ઉતરતી રહી છે. જણાવી દઇયે કે લેબનોન, પેલેસ્ટાઈન અને વિયેતનામથી પાછળ રહીને ભારત એશિયામાં 22માં સ્થાને છે. ભારતીય ટીમે પણ થોડા સમય પહેલા ખરાબ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન ભારતના સ્ટાર ખેલાડી સુનીલ છેત્રીએ હવે નિવૃત્તિ લઈ લીધી છે. જેના કારણે ભારતીય ટીમને નુકસાન થઈ રહ્યું છે.
FIFA રેન્કિંગમાં ટોચની 10 ટીમોની સ્થિતિ
અન્ય ટીમોની ફિફા રેન્કિંગ પર નજર કરીએ તો આર્જેન્ટિનાએ કોપા અમેરિકા ટાઈટલ સફળતાપૂર્વક જીત્યા બાદ રેન્કિંગમાં ટોચના સ્થાન પર પોતાની પકડ મજબૂત કરી છે. જ્યારે યુરો 2024ની સેમી ફાઇનલમાં પહોંચ્યા બાદ ફ્રાન્સ બીજા સ્થાને છે. તાજેતરમાં યુરોપિયન ચેમ્પિયન બનેલા સ્પેનને પાંચ સ્થાનનો ફાયદો થયો છે અને તે ત્રીજા રેન્કિંગમાં પહોંચી ગયું છે. ત્યારે સ્પેન સામે હારી ગયેલું ઈંગ્લેન્ડ એક સ્થાન આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગયું છે અને બ્રાઝિલને પાછળ છોડી દીધું છે, બ્રાઝિલ એક સ્થાન નીચે ઉતરીને પાંચમા સ્થાને પહોંચી ગયું છે. તેમજ રેન્કિંગમાં બેલ્જિયમ છઠ્ઠા સ્થાને, નેધરલેન્ડ્સ સાતમા, પોર્ટુગલ આઠમા અને કોલંબિયા નવમા સ્થાને છે. આ યાદીમાં ઈટાલીની ટીમ 10મા સ્થાને છે.