National

જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો, IMDએ ભારતમાં વરસાદનો તાજેતરનો ડેટા જાહેર કર્યો

બદલાતા હવામાન (Weather) અને વિવિધ કારણોસર (Reasons) જૂન 2024માં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. IMDએ નોંધ્યું છે કે દેશમાં જૂન મહિનામાં સરેરાશ 165.3 mm વરસાદ પડે છે પરંતુ આ વર્ષે માત્ર 147.2 mm વરસાદ નોંધાયો હતો. 2001 પછી આ સાતમો સૌથી ઓછો વરસાદી મહિનો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય જૂનમાં 11 ટકા ઓછો વરસાદ જોવા મળ્યો નથી.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિના દરમિયાન વરસાદમાં ઘટાડો થવાના સમાચારની સાથે દેશના કેટલાક રાજ્યોમાં અચાનક હવામાનમાં ફેરફાર અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સુધી ચોમાસું સામાન્ય રીતે આગળ વધ્યું હતું પરંતુ ત્યારપછી વરસાદ માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ ન હતી. પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં નબળા ચોમાસાને કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે ગરમીની અસર વધુ વધી છે.

માત્ર દક્ષિણ ભારતમાં 14 ટકા વધારાનો વરસાદ
હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે દેશમાં 11 જૂનથી 27 જૂન સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે એકંદરે સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો છે. IMD અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં 33 ટકા ઓછો વરસાદ થયો છે જ્યારે મધ્ય ભારતમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. એકલા દક્ષિણ ભારતમાં 14 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top