ઈરાન (Iran) અને ઈરાક સમર્થિત સશસ્ત્ર જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા બાદ અમેરિકાએ (America) ઈરાક અને સીરિયામાં તેનું સૈન્ય અભિયાન વધુ તીવ્ર કર્યું છે. અમેરિકાએ બે દિવસમાં ઈરાક અને સીરિયામાં 100થી વધુ ટાર્ગેટોને નષ્ટ કર્યા છે. આમાં અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે આ વિસ્તારમાં નવો સંઘર્ષ શરૂ થયો છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) અને તેના સમર્થિત મિલિશિયા જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેના ત્રણ સૈનિકોના મૃત્યુથી આઘાત પામેલા યુએસએ સતત બીજા દિવસે ઈરાક અને સીરિયામાં ઘણા લક્ષ્યો પર મોટા હવાઈ હુમલાઓ શરૂ કર્યા. આ હુમલામાં લગભગ 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અમેરિકાએ આ હુમલામાં લાંબા અંતરના બી-1 બોમ્બરનો પણ ઉપયોગ કર્યો છે. જણાવી દઈએ કે અમેરિકા આ પ્રતિક્રિયા ગત સપ્તાહે જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં આપી રહી છે. અમેરિકન હવાઈ હુમલાઓએ ઈરાકથી લઈને સીરિયા સુધી ખળભળાટ મચાવ્યો છે.
અમેરિકાએ અમેરિકન સૈનિકો પરના ઘાતક હુમલાના બદલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) અને તેના સમર્થિત મિલિશિયાના 85 થી વધુ લક્ષ્યો સામે એક દિવસ અગાઉ ઈરાક અને સીરિયામાં હવાઈ હુમલા પણ કર્યા હતા. આ હુમલો હજુ પણ ચાલુ છે. આમાં લગભગ 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આગામી દિવસોમાં વધુ યુએસ સૈન્ય કાર્યવાહી કરાય તેવી શક્યતા છે. ઓક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર પેલેસ્ટિનિયન જૂથના ઘાતક આતંકવાદી હુમલા બાદ આ હુમલાઓએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં વધારો કર્યો છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસીર કાનનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ “યુનાઈટેડ સ્ટેટ્સની બીજી હિંમતવાન અને વ્યૂહાત્મક ભૂલનું પ્રતિનિધિત્વ કરે છે જેના પરિણામે તણાવ અને અસ્થિરતામાં વધારો થશે”.
ઈરાકે ઔપચારિક વિરોધ વ્યક્ત કરવા માટે બગદાદમાં યુએસ ઇન્ચાર્જ ડી એફેયર્સને બોલાવ્યા. ઇરાકી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇરાક ઇનકાર કરે છે કે તેની જમીનો લડતા દેશો વચ્ચે શક્તિ પ્રદર્શિત કરવાનો અખાડો બની બનશે. ઇરાકના પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ, એક રાજ્ય સુરક્ષા દળ જેમાં ઇરાન સમર્થિત જૂથોનો પણ સમાવેશ થાય છે, જણાવ્યું હતું કે લડવૈયાઓ અને ડોકટરો સહિત તેના 16 સભ્યો માર્યા ગયા હતા. સરકારે અગાઉ કહ્યું હતું કે 16 મૃતકોમાં નાગરિકો પણ સામેલ છે.