SURAT

મોટા વરાછાના ફાયર સ્ટેશન પાસે ચાલુ બાઇક પર યુવકને હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો

સુરત: ઉત્રાણ વિસ્તારમાં રહેતા અને ભંગારનું કામ કરતો યુવક તેના સાળા સાથે બાઈક પર જતો હતો ત્યારે ચાલુ બાઇક પર યુવકને એટેક આવ્યો હતો. યુવકને હોસ્પિટલ લઈ જવાયો ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.

ઉત્રાણ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ઓછી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ બની રહ્યાં છે. ક્યારેક ચાલતા-ચાલતા તો ક્યારેક ક્રિકેટ રમતા તો ક્યારેક એક્સસાઈઝ કરતા-કરતા યુવકોને એટેક આવી રહ્યાં છે. શુક્રવારે ઉત્રાણમાં બાઇક પર જતા યુવકને એટેક આવ્યો હતો.

ઉત્રાણ વિસ્તારમાં આવેલા કૃષ્ણપાર્ક સોસાયટીમાં રહેતા શંકરભાઈ મધુદાસ વૈષ્ણવ( 35 વર્ષ) તેમના સાળા સાથે રહેતા હતા અને બંને ભંગારનો વ્યવસાય કરતા હતા. શુક્રવારે સવારે શંકરભાઈ સાળા સાથે બાઈક પર પાછળ બેસીને તેમના વ્યવસાય માટે જતા હતા.

તેઓ મોટા વરાછા વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે છાતીમાં દુખાવો થવા લાગતા તેઓએ સાળાને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. સાળાએ બાઈક ઉભી રાખતાં જ શંકરભાઈ ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જણાયું કે શંકરભાઈનું હૃદય હુમલાના કારણે મોત થયું હોય તેવી શક્યતા છે.

પડોશની કરિયાણાની દુકાનમાં લાગેલી આગ જોઈને સુરતના યુવાનનું હાર્ટ એટેકથી મોત
આ અગાઉ ગઈ 9મી મેના રોજ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું હતું. ડિંડોલી સરસ્વતી નગર પાર્કમાં પ્લોટ નંબર 5માં રુબીબેન શુકલા રહે છે અને ઘરની બાજુમાં જ તેઓ કરિયાણાની દુકાન ચલાવે છે. રવિવારે મધરાત્રે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતાં અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ દુકાનમાં આગ ભડકી ઉઠી હતી. આગ લાગવાથી બાજુમાં જ રહેતા અમરજીત રામઅનુજ જાગીને ઘરની બહાર નીકળ્યો હતો. આગ જોઈને તેને ગભરામણ થવા લાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાની સંભાવના છે.

ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા સુરતમાં 25 વર્ષના યુવકનું મોત
આ અગાઉ 5 મેના રોજ સચીન વિસ્તારમાં આવેલ સુડા સેક્ટર-1માં રહેતા વિજય રામાનંદ શર્મા( 25 વર્ષ) સ્થાનિક સચીનની એક મિલમાં નોકરી કરે છે. મૂળ બિહારના મધુવની જિલ્લાના ખમેલી ગામના વતની વિજય શર્માનું નજીકનું કોઈ સગું અહીં રહેતું નથી. રાત્રે વિજય સુઈ ગયો હતો. સવારે ઉઠ્યો ન હતો. તેની સાથે રહેનારા તેના રૂમ પાર્ટનરોએ ડોક્ટરને બતાવતા તેને મૃત જાહેર કર્યો હતો. સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમમાં જણાયું કે હાર્ટ એટેક આવવાથી વિજય શર્માનું મોત નિપજ્યું હતું.

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક હદે વધારો થયો છે. દુ:ખની વાત એ છે કે હાર્ટ એટેકના લીધે યુવાનોના મોત થઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલાં રાજકોટમાં ફોઈના દીકરાના લગ્નમાં નાચ્યા બાદ એક યુવાનનું મોત થયું હતું. તે પહેલાં  દૂધ સાગર ડેરીના ટેમ્પોના અબ્દુલ બેલીમ નામના ડ્રાઈવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેમનું હાર્ટ એટેકથી દુ:ખદ મોત થયું હતું. આ પહેલાં  રાજકોટમાં 19 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. સુરતમાં પણ 42 વર્ષના આધેડને રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો. જેની ઘટના CCTV માં કેદ થઈ હતી. પૂણેમાં પણ એક 21 વર્ષિય યુવાનને ક્રિકેટ રમીને આવ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો.

Most Popular

To Top