Dakshin Gujarat

વાંસદાના હોમગાર્ડે જાતે હાથપગે દોરડા બાંધ્યાં, ફિલ્મી સ્ટોરી સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

વાંસદા: (Vansda) વાંસદાના કીલાદની અંબિકા નદીના (Ambika River) પુલ નીચેથી હોમગાર્ડ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસ સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદાથી વઘઈ જતા કિલાદની અંબિકા નદીના પુલ નીચે સ્મશાન નજીકથી દોરીથી બાંધેલી હાલતમાં વાંસદા પોલીસ સ્ટેશનનો હોમગાર્ડ મળી આવ્યો હતો. જેને જોતા પુલ ઉપર લોક ટોળુ ભેગું થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

  • પોતાના શરીરે અને હાથપગે જાતે દોરડાથી બાંધી અંબિકા નદીના પુલ નીચે પડી રહેલો વાંસદાનો હોમગાર્ડ મળી આવ્યો
  • નશાની હાલતમાં પકડાઇ જતાં વાંસદાના હોમગાર્ડે પોલીસને સંભળાવી ફિલ્મી સ્ટોરી
  • પોલીસે કડકાઇથી પુછરપછ કરતા ઘરના ટેન્શનમાં નશો કરી અંબિકા નદીના પુલ નીચે જઈ પડી રહ્યો હોવાનુ જણાવ્યું

ત્યારબાદ પોલીસ પુલ નીચે પહોંચતા આ હોમગાર્ડ જીવતો હોવાનું જાણવા મળતા સારવાર માટે વઘઈ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન હોમગાર્ડ ભાનમાં આવતા મનુભાઈ પટેલ અને વાંસદા તાલુકાના ખડકાળા ગામ રહેતો અને વાંસદા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

વાંસદા પોલીસે ઘટના અંગે હોમગાર્ડની પૂછપરછ કરતા હોમગાર્ડે કોઈ અજાણ્યા માણસો કારમાં ગાડીમાં બેસાડી લઈ જઈ મારા હાથપગ બાંધીને પુલ નીચે ફેંકી ગયા હોવાની સ્ટોરી સંભળાવી હતી. પરંતુ તે નશાની હાલતમાં મળી આવતા તે જૂઠું બોલી રહ્યો હોવાની તેના પર શંકા જતા પોલીસની કડક પૂછપરછ થયા બાદ હોમગાર્ડે ઘરના ટેન્શનમાં રહી નશો કરી કોઈની બાઇક પર બેસી કિલાદ અંબિકા નદીના પુલ નીચે જઈ પડી રહ્યો હતો. અને સવારે પોતાની જાતે દોરડાથી પોતાના શરીરે અને હાથપગ બાધી પડી રહ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી આ સમગ્ર બનાવ અંગે હોમગાર્ડ મનુભાઈ પટેલ જાહેરમાં નશો કરી લવારો અને લથડિયાં ખાતો પકડાઈ જતા તેમના વિરુધ્ધ વાંસદા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી.

Most Popular

To Top