Dakshin Gujarat

હાંસોટમાં ખાંડની ગરમ ચાસણીના વાસણમાં પડી જતાં બાળક ગંભીર રીતે દાઝ્યો

હાંસોટમાં બે વર્ષનો માસુમ બાળક (Child) રમતી વખતે ખાંડની ગરમ ચાસણીના વાસણમાં પડી જતાં ગંભીર રીતે દાઝી ગયો (Burned) હોવાની ઘટના બની હતી. બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. હાલ તેની સારવાર (Treatment) ચાલી રહી છે, જ્યાં તબીબો બાળકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવી રહ્યા છે.

  • હાંસોટમાં ગરમ ખાંડની ચાસણીની તપેલીમાં પડી જતાં બે વર્ષનું માસુમ બાળક ગંભીર રીતે દાઝ્યો
  • સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને અપાઈ રહી છે સારવાર, બાળકની હાલત ગંભીર
  • મૂળ રાજસ્થાનનો આ પરિવાર હાલ હાંસોટ ખાતે રહે છે, આ પરિવાર 15-20 દિવસ પહેલા હાંસોટ ખાતે રોજી રોટી કમાવવા માટે આવ્યો હતો

મૂળ રાજસ્થાનનો આ પરિવાર હાલ હાંસોટ ખાતે રહે છે. આ પરિવાર ૧૫થી ૨૦ દિવસ પહેલા હાંસોટ ખાતે રોજી રોટી કમાવવા માટે આવ્યો હતો અને બરફના ગોળાનો ધંધો શરૂ કર્યો હતો. આ પરિવારમાં ૨ વર્ષનું એક માસુમ બાળક છે. દરમિયાન ૨૫મી એપ્રિલે પિતા બરફના ગોળા પર નાંખવા માટેનું શરબત બનાવી રહ્યા હતા. શરબત બનાવવા માટે તૈયાર કરવામાં આવતી ખાંડની ચાસણીને ગરમ કરીને ખુલ્લા વાસણમાં રાખવામાં આવી હતી. દરમ્યાન આ બે વર્ષનો બાળક ખાંડની ચાસણીની તપેલી પાસે પહોંચ્યો હતો. તે સમયે માતા-પિતા જમવા બેઠા હતા. ચાસણીના પ્યાલા પાસે ઉભેલું આ બાળક અચાનક તપેલીમાં ઊંધું પડી ગયું હતું. બાળકની પીઠ પર ખાંડની ચાસણી પડતા દાઝી ગયું હતું. બાળકને બે દિવસ સુધી હાંસોટ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ બાળકની તબિયતમાં સુધારો ન થતાં તેને સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ અંગે આરએમઓ કેતન નાયકે જણાવ્યું કે આ બાળકની હાલત ખૂબ જ નાજુક છે. જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. બાળકની તબિયત સુધારવા માટે તબીબો દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળક ૩૦ ટકાથી વધુ બળી ગયું છે અને તેના શ્વાસની પ્રક્રિયા પણ ઉપર-નીચે થઈ રહી છે. જેને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે.

Most Popular

To Top