Entertainment

સફળ હીરોઈનો છતાં સફળતા માટે તરસે અનુષ્કા, શ્રધ્ધા, શ્રૃતિને જરૂર છે એક હીટની

કોઇ કાયમી સ્ટાર નથી. બે ફિલ્મોથી ટોપ પર આવી જનારા ત્રીજી ફિલ્મથી વળી સ્ટ્રગલર બની શકે છે. અત્યારે શ્રધ્ધા કપૂર, અનુષ્કા શર્મા કરતાં રાધિકા આપ્ટેને સ્થિતિ સારી છે. કમલ હાસન – સારિકાની દિકરી શ્રુતિ હાસન નવી સફળતા માટે તરસી રહી છે. ટેલેન્ટ કાંઇ સફળતાની ગેરંટી બની જતી નથી. અનુષ્કા શર્માની ‘સુઇધાગા’, ‘ઝીરો’ અને ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ નિષ્ફળ ગઇ. હકીકતે તો ‘સુલતાન’ પછી તેની એકેય ફિલ્મ સફળ નથી ગઇ અને તે રજૂ થયેલી ૨૦૧૬ માં. આ કારણે જ અનુષ્કા પાસે અત્યારે એક જ ફિલ્મ છે ‘ચકડા એકસ્પ્રેસ’. યશરાજ ફિલ્મ્સથી સકસેસ મેળવનાર અનુષ્કાની આ ‘ચકડા એકસ્પ્રેસ’ પણ કયારે રજૂ થશે તે નકકી કરવું મુશ્કેલ છે.

કારણકે નિર્માતાઓને હવે અમુક વિષય પર ભરોસો નથી રહ્યો. ઝૂલન ગોસ્વામી નામની મહિલા ક્રિકેટર પરની ફિલ્મ જોવામાં કોને કેટલો રસ પડી શકે? તેનો પતિ વિરાટ કોહલી તો નિષ્ફળતા પછી ફરી રન કરવા માંડયો છે પણ અનુષ્કા વિશે એવી ખાત્રી આપી શકાય તેમ નથી. તેને ચાર ફિલ્મો પ્રોડયુસ કરી છે અને ‘કાલા’ નામની ચોથી ફિલ્મ બનાવી રહી છે. એવું લાગે છે કે તે ફિલ્મો અને વેબ સિરીઝના નિર્માણમાં જ પોતાને વધારે રોકવા માંગે છે. તેની છેલ્લી છ ફિલ્મોમાંથી ત્રણની નિર્માત્રી તો સ્વયં છે. નિર્માતા ફિલ્મમાં ન લે તો તે બીજું કરે પણ શું? શ્રધ્ધા કપૂરની હાલત પણ સારી નથી. અત્યારે તેની ‘ચાલબાજ ઇન લંડન’ બનીને તૈયાર છે.

વર્ષો પહેલાં પંકજ પરાશરે શ્રીદેવીને લઇ ‘ચાલબાજ’ બનાવેલી તેની જ રિમેક ફરી પંકજ પરાશરે બનાવી છે. પંકજ પરાશર અત્યારના દિગ્દર્શકો વચ્ચે જૂના લાગે છે ત્યારે જૂની ‘ચાલબાજ’નો જાદુ શ્રધ્ધા વડે શકય કરી શકશે? વળી શ્રધ્ધા કપૂર સિવાય કોઇ મોટું સ્ટાર ન હોય તો ફિલ્મની પ્રોડકશન વેલ્યુ ઓછી થઇ જાય. શ્રધ્ધા કાંઇ લોકોમાં હંમેશ ચર્ચામાં રહેનારી અભિનેત્રી નથી. તે ઓછા કપડામાં ફોટા ટોપ પડાવી ઇન્સ્ટાગ્રામ પર નથી મુકતી કે કોઇ ટોપ સ્ટાર સાથે હોટ રોમાન્સથી પણ ચર્ચામાં રહેતી નથી. તેની ફિલ્મો રજૂ ન થાય તો ચાહકોની નજર તેને શોધતી હોય એવું ય નથી તો પછી તેની કારકિર્દીનો આ નબળો તબકકો કયારે પૂરો થશે?

શ્રુતિ હાસનને તો હિન્દી ફિલ્મોની એકટ્રેસ તરીકે કોઇ ગંભીરતાથી ગણતું ય નથી. તેના કરતાં તો એક જ ફિલ્મની સફળતા પછી રશ્મિકા મંદાના વધારે સ્વીકૃત છે. તેલુગુ, તમિલમાં વધુ કામ કરે છે એટલે હિન્દી ફિલ્મમાં સફળ નથી કે પછી હિન્દીમાં બહુ કામ નથી મળતું એટલે તેલુગુ, તમિલમાં વધારે કામ કરે છે? બે ઘરનો પરોણો ભૂખે મરે તેવા તેના હાલ છે બાકી એકટ્રેસ સારી છે ને ગ્લેમરસ લુક પણ ધરાવે છે. અત્યારે તેની પાસે ‘રસના: ધ રે ઓફ લાઇટ’ સિવાય કોઇ હિન્દી ફિલ્મ નથી અને તે રેગ્યુલર પ્રકારની ફિલ્મ નથી. ટિસ્કા ચોપરા, નરગીસ ફકરી ને શ્રુતિ તેમાં મુખ્ય છે. •

Most Popular

To Top