સુરત: (Surat) સુરતના રાંદેરમાં (Rander) સામાન્ય બોલાચાલીમાં ગળું દબાવી હેવાન પતિએ (Husband Killed Wife) પત્નીની નિર્મમ હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલાં ઘરમાંથી મૃત હાલતમાં મળી આવેલી રાંદેરની પરિણીતાની હત્યા તેના પતિએ જ કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે પતિને પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની મળતી વિગત અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં નવયુગ કોલેજ પાસે આવેલી બોમ્બે કોલોનીમાં રહેતા ઉષા વસાવાનો મૃતદેહ તેમના જ ઘરમાં ગઈ તા. 13મી સપ્ટેમ્બરના રોજ મળ્યો હતો. તેના પતિ પ્રકાશ વસાવાએ પહેલાં તો પત્ની હાર્ટ એટેકથી મરી ગઈ હોવાનું રટણ કર્યું હતું. ત્યાર બાદ તેણીએ આપઘાત કર્યો હોવાની સ્ટોરી ઉપજાવી હતી. દરમિયાન મૃતક ઉષા વસાવાની બહેને પોલીસ સમક્ષ તેના બનેવી પર શંકા વ્યક્ત કરતા પોલીસે ઉષા વસાવાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (Postmortem) કરાવ્યું હતું. જેમાં ગળું દબાવીને ઉષા વસાવાની હત્યા કરાઈ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. દરમિયાન મૃતકનો પતિ પ્રકાશ વસાવા ફરાર થઈ ગયો હતો. તેથી એ શંકા પ્રબળ બની હતી કે ઉષા વસાવાની હત્યા (Murder) તેના પતિ પ્રકાશ વસાવાએ જ કરી છે. આજે રાંદેર પોલીસે પ્રકાશ વસાવાની બાતમીના આધારે અટકાયત કરી હતી.
તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી છે કે પ્રકાશ અને ઉષાના પ્રેમલગ્ન થયા હતા. પરંતુ લગ્ન બાદ પ્રકાશ કોઈ કામધંધો કરતો નહોતો. તે લાંબા સમયથી બેરોજગાર હતો. બીજી તરફ ઉષા વસાવા કેટરીંગમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પ્રકાશ વસાવા પત્ની ઉષા વસાવાના ચારિત્ર્ય પર શંકા રાખી અવારનવાર ઝઘડા કરતો હતો. દંપતી વચ્ચે રોજે રોજ કચકચ થતી હતી. ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતો પ્રકાશ અનેકોવાર ઉષા સાથે મારપીટ પણ કરતો હતો. દરમિયાન ગઈ તા. 13મી સપ્ટેમ્બરની રાત્રે ઉષા વસાવા કામ પરથી આવી ત્યારે પ્રકાશ વસાવાએ તેને ભૂખ લાગી છે રસોઈ બનાવ એમ કહ્યું હતું. પરંતુ ઉષા વસાવાએ ત્યારે એવો જવાબ આપ્યો કે, હું થાકી ગઈ છું, થોડી વાર સૂઈ જવા દો. આટલું સાંભળતા જ પ્રકાશ વસાવા ગુસ્સે ભરાયો હતો અને ઉષા વસાવાના માથે ચઢી જઈ છાતી પર બેસી તેનું ક્રુરતાપૂર્વક ગળું દબાવી દીધું હતું. ગુસ્સામાં પ્રકાશ વસાવાએ એટલું જોરથી ગળું દબાવ્યું કે ઉષા વસાવાનું મોત નિપજ્યું હતું. આમ, લવમેરેજ કરનાર એક મહિલાના જીવનનો ઘરકંકાસમાં કરૂણ અંત આવ્યો હતો. આ કેસમાં પોલીસે હત્યારા પતિ પ્રકાશ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાતની વાર્તા ઉપજાવી કાઢી હતી
ઉષા વસાવાની લાશ તેના ઘરમાંથી મળી ત્યારે પ્રાથમિક તપાસમાં પતિ પ્રકાશ વસાવાએ તેણીએ આપઘાત કર્યો હોવાની સ્ટોરી ઉપજાવી કાઢી હતી. તેથી રાંદેર પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ હત્યાનો ખુલાસો થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના પતિની અટકાયત કરી છે.