સુરત : વરાછા (Varacha) પટેલ નગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા રાત્રિના સમયે ચાની રેકડી (Tea Stall) ઉપર નજીવી બાબતે એક યુવક ઉપર સ્થાનિક ટપોરીઓ દ્વારા ચપ્પુથી (Knife) જીવલેણ હુમલો (Attack) કરી દેવાયો હતો. હુમલો કરનારાઓ એક બુલટેગરના સાગરીતો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભોગ બનનાર યુવાને આ મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજમાં હુમલો કરતા દેખાયેલા તત્વોની શોધ-ખોળ શરૂ કરી હતી. જે પૈકી બે જણાની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વરાછા પટેલનગર વિસ્તારમાં 9 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચા પીવા ગયેલા વિશાલ પટેલ નામના યુવાન ઉપર નજીવી બાબતે હુમલો કરી દેવાયો હતો. મોડી રાત્રે મોટેથી અવાજ કરી રહેલા યુવાનોને વિશાલ પટેલે અવાજ ઓછો કરવાનું કહેતા ઉશ્કેરાયેલા ઇસમોએ વિશાલ ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. જે પૈકી એક જણાએ વિશાલને ચપ્પુ પણ મારી દીધું હતું. આ હુમલામાં કરણ નામના બુટલેગર અને તેના સાગરીતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બનાવ અંગે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.
‘ઇધર લારી ચલાના હૈ તો હપ્તા દેના પડેગા, નહીં હાથ પેર અને લારી તોડ દુંગા’
સુરત : ભેસ્તાન આવાસમાં ચાઈનીઝની લારી ચલાવતા યુવક અને તેના પુત્રને અસામાજિક તત્વોએ ગાળો આપી તમાચા માર્યા હતા. બાદમાં લારી પર તોડફોડ કરી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ભેસ્તાન આવાસમાં રહેતો 35 વર્ષીય શરીફખાન સલીમખાન પઠાણ સાડી કટીંગ કોન્ટ્રાક્ટ તથા ચાઇનીઝની લારી ચલાવે છે. શરીફખાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અરબાઝ ઉર્ફે બીલ્લી બશીરખાન પઠાણ (ઉ.વ.૨૫ રહે. ભેસ્તાન આવાસ) ની સામે ફરિયાદ નોંધાવી હતી.
ગત 14 તારીખે ભેસ્તાન આવાસ અર્બન હેલ્થ સેન્ટરની સામે ટોપ ચાઇનીઝ દાતાર કાકરમ નામની ચાઇનીઝની લારી ઉપર અરબાઝ ઉર્ફે બીલ્લી બશીરખાન પઠાણ સાંજે આવ્યો હતો. આવીને નાસ્તો બનાવી આપવા બાબતે શરીફખાનના દિકરા ફઇમને ગાળો આપી હતી. બાદમાં ત્રણ-ચાર તમાચા મારી દીધા હતા. અને શરીફખાનને ‘તુઝે ઇધર લારી ચલાના હે તો મુજે હપ્તા દેના પડેગા વરના મે રાત કો વાપીસ આઉંગા ઓર તુમ્હારી લારી ઓર હાથ પેર દોનો તોડ દુંગા’ તેવી ધમકી આપી હતી. બાદમાં રાતના સાડા અગિયારેક વાગે ચાઇનીઝની લારી પર આવી લારીને નુકસાન કર્યું હતું. ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.