Gujarat

પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે, “ડિજિટલ ઇન્ડિયા વીક-2022”નો કરાવશે પ્રારંભ

ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar ) મહાત્મા ગાંધી મંદિર (Mahatma Gandhi Temple) ખાતે ડિઝિટલ ઈન્ડિયા વિકનું (Digital India Week) 4 જૂલાઈથી 7 જૂલાઈ વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવા પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર ગુજરાત (Gujarat) આવી રહ્યા છે. પીએમ મોદીના હસ્તે ડિઝિટલ ઈન્ડિયા વિકનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના હસ્તે ટેક્નોલોજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે એ માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મૂકશે. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાન મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

આ કાર્યક્રમની થીમ ‘Catalyst the Technology of New India’ છે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી ટેક્નોલોજી સુધી પહોંચ વધારવા, જીવનને સરળ બનાવવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી ડિજિટલ પહેલો શરૂ કરશે. વડાપ્રધાન મોદી ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પણ લોન્ચ કરશે, જે ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે. આમાં વૉઇસ આધારિત એક્સેસનો સમાવેશ થાય છે.

ડિજિટલ ઇન્ડિયા વીક-2022ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા.4 જુલાઈએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કો-વિન, ડિજિલોકર જેવાં જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે એ અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેક્નોલોજીનાં વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે એ માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.

ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ પણ તા.૭થી ૯ જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરાશે.
પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવનાર ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વોઇસ-આધારિત એક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજીકલ સોલ્યુશન્સથી વધુ ને વધુ નાગરિકોને જોડવામાં સરળતા થશે.

પ્રધાનમંત્રી ‘ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ)’ રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ છે, જે ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં શરૂ થયેલા પ્રતિભાવાન સ્ટાર્ટઅપ્સને શોધીને તેને એક સફળ સ્ટાર્ટઅપ બનાવવા અને તેના વિકસાવવામાં પણ મદદરૂપ થશે. જે માટે અંદાજે રૂ.750 કરોડ ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે. ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’ એ આધાર, યુ.પી.આઈ., ડીજીલોકર, કો-વીન વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ, ઈ-માર્કેટ પ્લેસ (GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મુકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું કેન્દ્ર બિંદુ ગણાય છે.

‘માય-સ્કીમ’ પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે. જેનો ઉદ્દેશ “વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી”નો છે. જ્યાં લાભાર્થીઓ કઇ સરકારી યોજનાઓ લાભ લેવા માટે તેઓ લાયક છે તે સરળતાથી શોધી શકે તેવો છે.

ઉપરાંત ‘મેરી પહેચાન-નેશનલ સિંગલ સાઈન-ઓન ફોર વન સિટિઝન લોગઇન’ની સુવિધા પણ દેશના નાગરિકોને સમર્પિત કરવામાં આવનાર છે. નેશનલ સિંગલ સાઇન-ઓન એ એક યૂઝર ઓથેન્ટિકેશન સેવા છે, જેમાં વિવિધ ઓળખપત્રો બહુવિધ ઓનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરશે.

‘ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ(C2S)’ નામની અન્ય પહેલ હેઠળ સહાયિત થનારી ૩૦ સંસ્થાના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરાશે. C2S પ્રોગ્રામનો મુખ્ય હેતુ સેમિ કંડક્ટર ચિપ્સ ડિઝાઇનના ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક અને સંશોધનના સ્તરે જ વિશેષ માનવશક્તિને તાલીમ આપી દેશમાં જ સેમિ કંડક્ટર ડિઝાઇન સાથે સંકળાયેલા સ્ટાર્ટ-અપ્સના વિકાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ સેમિ કંડક્ટર્સમાં ડિઝાઇન ઇકો સિસ્ટમને મજબૂત બનાવવા માટેના ‘ભારત સેમિ કંડક્ટર મિશન’નો એક મહત્ત્વનો ભાગ છે.

Most Popular

To Top