Vadodara

ક્ષમા બિંદુએ સ્વપ્નોના રાજકુમાર સાથે આખરે લગ્ન કરી જ લીધા

વડોદરા : પોતાની સાથે જ લગ્ન કરવાની વાતને લઇને ચર્ચા અને વિવાદમાં આવેલી વડોદરાની ક્ષમા બિંદુએ બુધવારે લગ્ન કરી લીધા છે. આ લગ્ન આમ તો સામાન્ય લગ્ન જેવા જ હતા. લાલ કપડા, હાથમાં મહેંદી સાથે દુલ્હનની માફક તૈયાર થયેલી 24 વર્ષની ક્ષમા બિંદુએ પોતાના હાથે જ જાતે  સેથામાં માંગ ભરીને સુહાગણ બની હતી. ત્યાર બાદ પોતાની જાતને જ મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું.ખાલી આ લગ્નમાં વરરાજા અને પંડિતજી નહોતા. એટલે કે પોતે જ દુલ્હન અને પોતે જ વરરાજા.

ક્ષમા બિંદુ ભારત દેશની પ્રથમ એવી યુવતી છે કે જેણે  પોતાની સાથે જ લગ્ન કર્યા હોય. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્ષમાના ઘર પર તેના લગ્ન યોજાયા હતા. આ લગ્ન લગભગ 40 મિનિટ સુધી ચાલ્યા હતા. જેમાં તેના પરિવાર અને મિત્રો જોડાયા હતા. ક્ષમાના મિત્રોએ તેને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું છે. મહેંદી, હલ્દીથી લઇને ફેરાની પણ વિધિ યોજાઇ હતી. એટલે કે ક્ષમાએ પોતાની જાતને આપેલું વચન પુરુ કર્યુ.

પહેલા ક્ષમા બિંદુ 11 જુનના દિવસે લગ્ન કરવાની હતી. જો કે વિવાદથી બચવા માટે તેણે ત્રણ દિવસ પહેલા જ એટલે કે 8મી જુને લગ્ન કરી લીધા છે. જ્યારથી તેણે આ રીતે લગ્ન માટેની જાહેરાત કરી છે ત્યારથી કેટલક હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા તેનો પ્રચંડ વિરોધ પણ થઇ રહ્યો હતો. ત્યાં સુધી કે તેના પડોશીઓએ પણ આ વાતનો વ્યાપક વિરોધ કર્યો હતો. તેથી ક્ષમાને ડર હતો કે કદાચ 11 તારીખે તેના ઘરે આવીને લોકો વિવાદ ના ઉભો કરે. ક્ષમાએ કહ્યું કે તે પોતાના લગ્નનો ખાસ દિવસ ખરાબ કરવા નહોતી માંગતી. માટે તેણે ગઇકાલે છુપી રીતે લગ્ન કરી લીધા છે.

પહેલા ક્ષમા બિંદુ મંદિરમાં લગ્ન કરવાની હતી. જો કે વિરોધ બાદ તેણે ઘરમાં લગ્ન કરવાનો નિર્ણ લીધો. આ પ્રકારના લગ્ન કરાવવા માટે તમામ પંડિતજીએ પણ ના પાડી હતી. ત્યારબાદ ડિજિટલ મંત્રો સાથે ક્ષમાએ લગ્ન કર્યા છે. લગ્ન બાદ બધાએ ગરબા અને ડાન્સ કરીને ઉજવણી પણ કરી હતી. આ લગ્નની બીજી ખાસ વાત એ હતી કે લગ્ન બાદ કન્યાએ પોતાનું ઘર નહોતું છોડવું પડ્યું. લગ્ન વિધિ બાદ ખુશ ખુશાલ દેખાતી ક્ષમાએ તેના મિત્રો અને પરીવાર જનોનો આભાર માન્યો હતો.

Most Popular

To Top