Vadodara

16 વર્ષની સગીરા પર 8 નરાધમોનો ગેંગરેપ

ઝઘડિયા,ભરૂચ : ભરૂચ જિલ્લાના આદિવાસી ઝઘડીયા તાલુકામાં સગીરા ઉપર સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સગીરાને સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઇ જવાના બહાને ખેતરોમાં લઇ ગયો હતો. જ્યાં 8 શખ્સોએ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ઝઘડીયા તાલુકાના એક ગામની સગીરા સાથે વિશાલ ચંદ્રેશ વસાવા નામના યુવકે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે સગીરા આ વિશાલ પર ભરોસો રાખતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. 16 ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદ ઈરાદાથી અજાણ સગીરા તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.

પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને આરોપીએ ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને સગીરા ઉપર બળાત્કાર ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ 7 હેવાનોએ પણ પીડિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી આરોપીઓએ સગીરાને સ્થળ પરથી ભગાડી મૂકી હતી. પાશવી કૃત્યનો ભોગ બનેલી પીડિતા ઘરે પહોંચતા તેની હાલત જોઈ માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા.

જેણે પરિવારને આપવીતી કહેતા માતા – પિતાએ સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા – પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી. ઝઘડીયા પોલીસ સ્ટેશમાં ઇપીકો કલમ 363 , 366, 376 (D) ,114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 8 દુષ્કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બનાવ બાદ કિશોરીની તબીબી પરિક્ષણ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે. 8 નરાધમો 1) વિશાલ ચંદ્રેશ વસાવા 2) કમલેશ ચંદ્રેશ વસાવા 3) કાર્તિક પ્રવીણ વસાવા 4) મનોજ મુકેશ વસાવા 5) ભાવિન સુરેશ વસાવા 6) અક્ષય રાજુ વસાવા 7) મેહુલ કલ્પેશ પટેલ 8) શાહિલ શબ્બીર મોગલ

Most Popular

To Top