ધરમપુર : ધરમપુર (Dharampur) અને આસપાસના અનેક ગામોમાં નાદુરસ્ત લોકો સ્ટેટ હોસ્પિટલમાં (Stat Hospital) સારવાર માટે અહીં આવે છે. દૂર દૂરના ગામોથી આવતા લોકો પોતાના વાહનો તેમજ બાઈક લઈને આવતા હોય છે. ત્યારે સ્ટેટ હોસ્પિટલમાં પાર્ક કરેલી બાઇકો માંથી પેટ્રોલ (Petrol) ચોરી અને આવનારા લોકોના મોબાઈલની (Mobile) પણ હોસ્પિટલમાંથી ચોરી થઈ રહી હોવાની બૂમ પડી રહી છે.
ધરમપુર સ્ટેટ હોસ્પિટલના પાર્કિંગમાંથી થોડા દિવસ અગાઉ બાઈક ચોરી થતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ ચોરી થતી હોવાને પગલે પોલીસ દ્વારા અહીં હોમગાર્ડ મુકવામાં આવ્યા હતા, છતાં સ્ટેટ હોસ્પિટલના પરિસરમાં પાર્ક કરેલી બાઇકોમાંથી પેટ્રોલ ચોરી થતું હોવાની બૂમ ઉઠી રહી છે. ગઈકાલે એક દર્દીની ખબર લેવા આવેલા એક સ્વજનનો 39 હજારનો મોબાઈલની પણ ઉઠાંતરી થઈ જતા પરિજનો દરેક સ્થળે મોબાઈલની શોધખોળ અને પુછપરછ કરતા જોવા મળ્યા હતા. ત્યારે અહીં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે, પરંતુ એ પણ ચાલુ હાલતમાં છે કે નહીં તે અંગે અનેક પ્રશ્નો સર્જાયા છે. ત્યારે અહીં થતી ચોરી અટકવવા પોલીસ કોન્સ્ટેબલને ફરજ પર મુકવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.