દ્વારકાના ઓખામઢીમાં એક યુવાન સ્ત્રીને વળગાડ હોવાનું કહીને ભુવાએ તેને અસંખ્ય ડામ દીધા. અંતે સ્ત્રીનું મૃત્યુ થયું. બહુ જ દુઃખદ અને આઘાતજનક બાબત છે. ટેકનોલોજીના જમાનામાં આવી અંધશ્રધ્ધાળુ માનસિકતા આશ્ચર્યજનક છે. કોઈ વ્યક્તિની માનસિક અવસ્થા કે માનસિક રોગનો યોગ્ય તબીબી ઉપચાર કરવાને બદલે ભુવા, તાંત્રિક પાસે જઈને વિધિને નામે થતા અમાનુષી અત્યાચારોની બનતી ઘટનાઓ અવારનવાર જોવા, સાંભળવા મળે છે. ધૂણવું એ એક એવી માનસિક અવસ્થા છે, જે પઝેશન સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. પોતાના મનમાં રહેલો મૂંઝારો અર્ધજાગ્રત કે અજાગ્રત માનસિક અવસ્થામાં ધૂણવા જેવી ક્રિયાઓમાં પરિણમે છે, જેના ઉપાયમાં સાયકો થેરપીની જરૂરિયાત હોય છે. વિવિધ શારીરિક, માનસિક, કૌટુંબિક સમસ્યાઓને મંત્ર, તંત્ર, વિધિ દ્વારા ચપટીમાં દૂર કરવા ભુવા, તાંત્રિકો, જ્યોતિષીઓ દ્વારા જાહેરખબરો દ્વારા દાવા કરવામાં આવે છે,
જેને અટકાવવા માટે કોઈ અસરકારક કાયદો આપણે ત્યાં નથી. ભૂત, પ્રેત, વળગાડને નામે ખાસ કરીને સ્ત્રીઓનું થતું શોષણ અટકાવવા અંધશ્રદ્ધા વિરુદ્ધ કડક કાયદાની આવશ્યકતા રહે છે. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો થયો છે. ગુજરાત હજી કેમ રાહ જુએ છે એ સમજાતું નથી. કશુંક બહારનું તત્ત્વ શરીરમાં પ્રવેશી ગયું છે, અવદશા પાછળ ગ્રહોની અસર છે, કશુંક નડે છે કે કોઈએ કંઈક કરી દીધું છે એવી અંધમાન્યતાઓને કારણે સમાજનો શિક્ષિત વર્ગ પણ અંધશ્રદ્ધાના ખપ્પરમાં હોમાય છે. કહેવાતા તાંત્રિકો, ભુવાઓ સામે કડક હાથે કામ લઈ એમને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવા બદલ સજા ફટકારતો કાયદો અને વૈજ્ઞાનિક અભિગમ થકી લોકજાગૃતિ જરૂરી છે.
સુરત – સુનીલ શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.