Madhya Gujarat

તારાપુર એપીએમસીની ચૂંટણીમાં 99 ટકા મતદાન

પેટલાદ : તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણીનું સોમવારે મતદાન થયું હતું. વ્યવસ્થાપક મંડળના સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થતાં 16 બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. જે પૈકી સહકારી ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. જેથી ખેડૂત અને વેપારી વિભાગની 14 બેઠકો માટે 99 ટકા મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોની સામ સામે પેનલો ચૂંટણીમાં ઉતરતા ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. જોવાનું એ રહેશે કે તારાપુર એપીએમસીમાં સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન થશે ?

તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી અગાઉ ખંભાત એપીએમસીમાં સમાવિષ્ટ હતી. પરંતુ વર્ષ 1999માં તાલુકાનું વિભાજન થતાં તારાપુર નવો તાલુકો બન્યો અને તારાપુર એપીએમસી અસ્તિત્વમાં આવી છે. આણંદ જીલ્લાની સૌથી વધુ ટર્નંઓવર ધરાવતી આ બજાર સમિતીનો લગભગ રૂપિયા બસો કરોડનો વાર્ષિક વહિવટ હોવાનું જાણવા મળે છે. અહિયાં ડાંગર અને ઘઉંની સૌથી વધુ ખરીદ વેચાણ થાય છે. આ બજાર સમિતીનું વ્યવસ્થાપક મંડળ 18 સભ્યોનું છે. જેમાં ખેડૂત પ્રતિનિધીના 10, વેપારી વિભાગના 4, સહકારી ખરીદ વેચાણના 2 પ્રતિનિધી, સ્થાનિક સંસ્થાના એક અને સરકારી પ્રતિનિધી તરીકે વિસ્તરણ અધિકારીનો સમાવેશ થાય છે. એટલે બોર્ડ બનાવવા માટે દશ સભ્યો અનિવાર્ય રહે છે.

આ બજાર સમિતીની સામાન્ય ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૈકી સહકારી ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો બિનહરિફ થતાં 14 બેઠકો માટે સોમવારે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભાજપ સમર્થિત અને કોંગ્રેસની વિકાસ પેનલ સામસામે હતી. આ ઉપરાંત સાત જેટલા અન્ય ઉમેદવારો હોવાથી આ વિભાગની ચૂંટણીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ વિભાગમાં કુલ 276 મતદારો પૈકી 272નું મતદાન થયું હતું. વેપારી વિભાગની 4 બેઠકો માટે 6 ઉમેદવારો ચૂંટણીમાં હતા. જે પૈકી ભાજપ સમર્થિત 4 ઉમેદવારોની પેનલ જાહેર થઈ હતી, પરંતુ આ વિભાગમાં કોંગ્રેસની વિકાસ પેનલ નહીં ઉતરતા લગભગ આ બેઠકો ભાજપના ફાળે જાય તો નવાઈ નહીં ! આ વિભાગમાં કુલ 129 પૈકી 125 વેપારી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે મંગળવાર સવારે મતગણતરી હાથ ધરવામાં આવનાર હોવાથી જોવાનુ એ રહેશે કે તારાપુર એપીએમસીમાં ભાજપ સત્તા જાળવી રાખે છે કે કોંગ્રેસ સત્તા આંચકી લઈ પરિવર્તન લાવે છે ?

વેપારી વિભાગમાં ખેંચતાણ
તારાપુર એપીએમસીના વિભાગની 4 બેઠકો માટે 6 ઉમેદવારો હોવાથી ચૂંટણી ભારે ઉત્તેજના ભરી બને તો નવાઈ નહીં. આ વિભાગમાં રાજેન્દ્રકુમાર ઠક્કર (તારાપુર), દિલીપભાઈ પટેલ (તારાપુર), પ્રવિણભાઈ વાઘેલા (ચાંગડા), મહિપતસિંહ શિણોલ (ગલીયાણા)એ ભાજપ પ્રેરિત પેનલમાંથી ઝંપલાવ્યું છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં અલ્પેશકુમાર જાદવ (વલ્લી) અને રાજેશકુમાર ઠક્કર (તારાપુર) છે. હવે પરિણામ પર સૌની નજર રહેલી છે. જો જીતા વહી સિકંદર બનશે.

ભાજપ પ્રેરિત ઉમેદવારો
પૃથ્વીરાજસિંહ ગોહિલ (પચેગામ), મથુરભાઈ ચૌહાણ (વાળંદાપુરા), પિયુષકુમાર પટેલ (મોરજ), ચંદુભાઈ પરમાર (તારાપુર), ભગવતસિંહ પરમાર (દુગારી), મૂળુભાઈ પરમાર (કસ્બારા), મહેશભાઈ મકવાણા (ખાખસર), સઈજીભાઈ રબારી (તારાપુર), મહિપતસિંહ રાઓલ (ઊંટવાડા),

કોંગ્રેસની વિકાસ પેનલ
ઘનશ્યામસિંહ ગોહિલ (ખડા), લધુભા ગોહિલ (તારાપુર), નરેન્દ્રકુમાર જાદવ (વલ્લી), પુનમભાઈ જાદવ (વાળંદાપુરા), રાજેન્દ્રકુમાર પટેલ (દુગારી), વિજયસિંહ પરમાર (તારાપુર), રણછોડભાઈ ભરવાડ (નભોઈ), હરીસિંહ રાઓલ (ચાંગડા), દિલીપસિંહ વાઘેલા (બુધેજ), ઈમ્તિયાઝઅલી સૈયદ (ભંડેરજ)

અન્ય ઉમેદવારો
દિગ્વિજયસિંહ ગોહિલ (ખડા), નાથુભા ગોહેલ (ફતેપુરા), કનુભાઈ ડાભી (કાનાવાડા), સુનિલભાઈ પટેલ (મોરજ), ઘનશ્યામભાઈ રબારી (ઇસરવાડા), જગદિશભાઈ રબારી (તારાપુર), કુંવરસિંહ સોલંકી (ઇસરવાડા)
ખેડૂત વિભાગની બેઠકો નિર્ણાયક બનશે
તારાપુર એપીએમસીમાં સત્તા હાંસલ કરવા દસ સભ્યો જરૂરી છે. જેથી સૌથી વધુ બેઠકો ધરાવતો ખેડૂત વિભાગ નિર્ણાયક બની રહેશે. તેમાંય આ વિભાગની ચૂંટણીમાં ભાજપ સમર્થિત અને કોંગ્રેસની વિકાસ પેનલ સામ સામે ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત અન્ય સાત ઉમેદવારો કોનો ખેલ બગાડે છે ? એ તો પરિણામ પછી જ ખબર પડે. આ વિભાગમાં કાકા – ભત્રીજાની લડાઈ ઉપર પણ તાલુકાના સૌ મતદારોની નજર રહેશે.

Most Popular

To Top