Gujarat

રાજ્યમાં ધોરણ 10નું 83.08 ટકા પરિણામ, ગણિત અને ગુજરાતી વિષયનું સૌથી નબળું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જોવા મળ્યુ છે. આમાં મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ જાહેર થયુ છે. ગુજરાતમાં ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ જાહેર થયુ હતુ.

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55 છે, રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459 છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી છે. જોકે ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%, એટલે કે 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 12.16%, એટલે કે 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 8.71%, એટલે કે 54,614 વિદ્યાર્થી નાપાસ થયા છે. જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી.

બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ જાહેર થયુ છે. 45 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યુ છે. આ વખતે પણ ધોરણ 10માં ફરી એકવાર વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઉપરાંત વોટ્સએપ નંબર “6357300971” પર પણ પરિણામ આપવામાં આવ્યું હતું.

ગુજરાતી ભાષાથી દૂર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ
રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત અને ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. એક સમયે સૌથી સહેલો લાગતો ગુજરાતી વિષય હવે વિદ્યાર્થીઓને અઘરો લાગે છે. ફક્ત અંગ્રેજી માધ્યમ જ નહીં પણ ગુજરાતી માધ્યમના બાળકો પણ ગુજરાતી ભાષામાં સારી માર્ક્સ લાવી શકતા નથી. આ વખતે પણ ધોરણ 10ના પરિણામમાં ગુજરાતી ભાષામાં વધુ બાળકો નાપાસ થયા છેે.

સુરતના વિદ્યાર્થીએ 92 ટકા સાથે એવન ગ્રેડ મેળવ્યો
સુરતના વિદ્યાર્થી નંદ મેંદપરાએ 92 ટકા મેળવ્યા છે. નંદ મહેશ મેંદપરાના પિતા પેરાલિસિસના કારણે પથારીવશ છતાં વિદ્યાર્થીએ 92 ટકા સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. કેમિકલ એન્જિનિયર બની માતા-પિતાની ઈચ્છા પુરી કરવાની તૈયારી દર્શાવી છે. મળતી માહિતી મુજબ તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સ્કૂલ અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે.

Most Popular

To Top