Madhya Gujarat

ખેડા જિલ્લા કોંગ્રેસના 69 હોદ્દેદારો ભાજપમાં જોડાયાં

નડિયાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લાના કુલ ૬૯ હોદ્દેદારો પક્ષમાંથી રાજીનામું આપ્યાં બાદ, પોતાના હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતાં જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ખેડા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલાં આંતરિક વિખવાદને પગલે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, પૂર્વ ધારાસભ્ય, કઠલાલ અને મહેમદાવાદ શહેર પ્રમુખ સહિતના ૨૧ હોદ્દેદારોએ ગત તારીખ ૬ જુલાઈના રોજ પક્ષમાંથી સાગમટે રાજીનામા આપ્યાં હતાં.
જે બાદ પણ કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો ચાલું રહ્યો હતો. કોંગ્રેસમાંથી રાજીનામાં આપનાર કુલ ૬૯ હોદ્દેદારો પોતાના હજારો સમર્થકો સાથે સોમવારના રોજ ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયાં હતાં અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જેને પગલે ખેડા જિલ્લા ભાજપનું જોર વધ્યું છે. બીજી બાજુ કોંગ્રેસની હાલત કફોડી બની છે.

Most Popular

To Top