National

NCBનો ગંભીર આરોપ: રિયાએ સુશાંત સિંહ રાજપુતને ડ્રગ્સની લત લગાડી હતી

મુંબઈ: સુશાંત સિંહ રાજપુત(Sushant Singh Rajput)નાં મોત(Death) બાદ શરુ થયેલા ડ્રગ્સ કેસમાં તેની ગર્લ ફ્રેન્ડની મુશકેલી પૂરી થવાનાં બદલે વધી રહી છે. રિયા ચક્રવર્તી(Rhea Chakraborty) હાલ પણ NCBની રડારમાં છે. NCBએ ડ્રગ્સ કેસ(Drug Case)માં તેની સામે આરોપોનો તખ્તો તૈયાર કર્યો છે. જેમાં રિયા અને અન્ય 34 આરોપીઓ પર હાઈ સોસાયટી અને બોલિવૂડના લોકોને ડ્રગ્સ સપ્લાય(Supply) કરવાનો આરોપ છે. સુશાંતને નશાની લત લગાડવા માટે ઉશ્કેરવાનો પણ આરોપ છે.

મુશકેલીમાં ફસાઈ રિયા
NCBનો આરોપ છે કે રિયાએ સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદ્યું હતું અને તેના માટે પૈસા ચૂકવ્યા હતા. આ કેસમાં 35 આરોપીઓ સામે કુલ 38 આરોપ છે. NCBએ તેના ચાર્જ ડ્રાફ્ટમાં દાવો કર્યો છે કે રિયાએ સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક ચક્રવર્તી, દિપેશ સાવંત અને અન્યો પાસેથી ઘણી વખત ગાંજો લીધો હતો. ગાંજાની ડિલિવરી લીધા બાદ રિયાએ તેને સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતને સોંપી દીધો હતો. રિયાએ માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન ગાંજાની આ ડિલિવરી માટે પેમેન્ટ કર્યું હતું.

NCBએ ડ્રાફ્ટમાં કર્યા આક્ષેપો
આ કેસમાં તમામ 35 આરોપીઓ સામે મુકવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ, આ તમામ માર્ચ 2020 થી ડિસેમ્બર 2020 દરમિયાન ગુનાહિત કાવતરામાં સામેલ થયા હતા. આ સમય દરમિયાન, એકબીજા સાથે અથવા જૂથોમાં માદક દ્રવ્યોની ખરીદી, વેચાણ, આંતર-શહેર પરિવહન ઉપરાંત, તેઓએ બોલીવુડ સહિત ઉચ્ચ સમાજના લોકોને પણ તેનું વિતરણ કર્યું હતું. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં લાઇસન્સ વિના માદક દ્રવ્યોની તસ્કરી કરતા હતા. તેની સાથે તેઓ ગાંજા, ચરસ, એલએસડી, કોકેઈન લેતો હતો જે ગુનો છે.

ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતો શોવિક
રિયાના ભાઈ શોવિક પર લગાવવામાં આવેલા આરોપો દર્શાવે છે કે તે ડ્રગ પેડલર્સ સાથે સતત સંપર્કમાં હતો. તે ગાંજા, ચરસ/હશિશની ડિલિવરી માટે ઓર્ડર આપતો હતો. શોવિકે અબ્દેલ બાસિત, કૈઝાન ઈબ્રાહિમ, કર્મજીત સિંહ આનંદ અને સૂર્યદીપ મલ્હોત્રા સહિત અન્ય લોકો પાસેથી ગાંજાની ડિલિવરી લીધી અને સુશાંતને આપી દીધો હતો. ડિલિવરી માટે કેટલીકવાર તેણે પેમેન્ટ કર્યું તો કેટલીકવાર રિયા ચક્રવર્તી દ્વારા માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન ડ્રગ પેડલર્સને પેમેન્ટ ચુકવ્યું હતું.

પીઠાણીનો ડ્રગ્સ કેસ સાથે શું સંબંધ છે?
સુશાંતના ખાસ મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. NCBનો આરોપ છે કે પિઠાણી ડ્રગ્સ/ગાંજાની ખરીદી માટે આરોપી સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક, દિપેશ સાવંત, રિયા અને સુશાંત સાથે સીધા સંપર્કમાં હતો. આ દવાઓ/ગાંજા જાન્યુઆરી 2020 થી ઓગસ્ટ 2020 દરમિયાન સુશાંત અને બાકીના લોકોના વપરાશ માટે ખરીદવામાં આવ્યા હતા. પિઠાણી સુશાંતની કોટક એપનો ઉપયોગ કરતી હતી. સુશાંતના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને વીડ અને ગાંજા સહિતની અન્ય ડ્રગ્સ ખરીદવામાં આવ્યા હતા અને તેને બેંક ટ્રાન્ઝેક્શનમાં પૂજા સામગ્રી તરીકે દર્શાવવામાં આવી હતી. આ રીતે સુશાંત નશાની લત તરફ ધકેલાઈ ગયો હતો. જેને NCBએ ગુનો ગણ્યો છે.

સુશાંતના મૃત્યુથી આઘાત લાગ્યો હતો
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના આકસ્મિક નિધનથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. બોલિવૂડ સ્ટારના મૃત્યુ પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. સુશાંતના પરિવારે અભિનેતાના મૃત્યુ માટે રિયા ચક્રવર્તીને જવાબદાર ઠેરવી હતી. સુશાંત કેસની તપાસ ઘણી તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે પરંતુ મૃત્યુનું કારણ આજ સુધી બહાર આવ્યું નથી. સુશાંતના ચાહકો હજુ પણ તેના માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે.

Most Popular

To Top