Gujarat

હોમ આઇસોલેશનમાં રેમડેસિવિર નહીં મળે

કોરોનાના હળવા/ લક્ષણો વિનાના કેસોના હોમ આઇસોલેશન માટે આરોગ્ય મંત્રાલયે આજે સુધારેલી ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં ઘરે રેમડેસિવિરના ઇન્જેક્શનો લેવા કે મેળવવાના પ્રયાસ ન કરવા સલાહ અપાઇ છે. મંત્રાલયે કહ્યું કે રેમડેસિવિર હૉસ્પિટલ સેટિંગ્સમાં જ આપવાના રહેશે.

ગાઇડલાઇનમાં જણાવાયું કે માઇલ્ડ કેસોમાં સિસ્ટમિક ઓરલ સ્ટિરોઇડ સૂચવાયા નથી અને જો સાત દિવસ કરતા વધારે લક્ષણો (સતત તાવ, ખાંસી વગેરે) રહે તો લૉ ડૉઝ ઓરલ સ્ટિરોઇડ માટે સારવાર કરતા તબીબને કન્સલ્ટ કરી શકાય.

60 વર્ષની ઉપરના દર્દી અને પ્રેસર-ડાયાબિટિશ જેવી સહબીમારી ધરાવતા દર્દીઓને સારવાર કરનાર મેડિકલ ઑફિસર યોગ્ય મૂલ્યાંકન કરે ત્યારબાદ જ હોમ આઇસોલેશનની છૂટ આપવી. ઑક્સિજન સેચ્યુરેશન લેવલ ઘટે કે શ્વાસની તકલીફ થાય એવા કિસ્સામાં વ્યક્તિએ હૉસ્પિટલ દાખલ થવા પૃચ્છા કરવી અને ફિઝિશયનનો સંપર્ક કરવો.

સુધારેલી ગાઈડલાઇન મુજબ ઘરે દર્દી દિવસમાં બે વાર ગરમ પાણીના કોગળા કે નાસ લઈ શકે. જો દિવસમાં ચાર વાર 650 એમજી (મહત્તમ ડૉઝ) પેરાસિટામોલ લેવા છતાં તાવ ન ઉતરે તો સારવાર કરનાર તબીબનો સંપર્ક કરવો. તબીબ નોન સ્ટિરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ આપી શકે જેવી કે નેપ્રોક્સેન 250 એમજી દિવસમાં બે વાર.

આઇવરમેક્ટિન (200એમસીજી/કેજી દિવસમાં એક વાર) 3-5 દિવસ માટે લેવા વિચારી શકાય. પાંચ દિવસ પછી પણ લક્ષણો રહેતા હોય તો ઇન્હેલેશનલ બુડેસોનાઇડ (સ્પેસર સાથે ઇન્હેલર્સથી 5-7 દિવસ માટે દિવસમાં બે વાર 800 એમસીજી ડૉઝમાં અપાય) આપી શકાય.

રેમડેસિવિર આપવાનો નિર્ણય તબીબ લેશે અને હૉસ્પિટલ સેટિંગ્સમાં જ આપી શકાય. ઘરે રેમડેસિવિર લેવાની કોશીશ ન કરવી. હોમ આઇસોલેશનના કેર ટેકરે અટકાયતી પગલાં તરીકે હાઇડ્રોક્સિક્લોરોક્વિન લેવી. રૂમ તાપમાને ઑક્સિજન 94થી ઉપર રહેવું જોઇએ. આઇસોલેશન માટેના નિયમો અને કાળજીઓ અગાઉ જેવી જ છે.

જેમ કે અલગ વેન્ટિલેશનવાળા રૂમમાં રહેવું, એન 95 માસ્ક વાપરવું વગેરે. લક્ષણો દેખાયાના 10 દિવસ બાદ અને જો છેલ્લા ત્રણ દિવસથી તાવ ન હોય તો આઇસોલેશન સમાપ્ત કરી શકાય. રિપિટ ટેસ્ટની કોઇ જરૂર નથી.

Most Popular

To Top