National

ઓડિશાના દ્રોપદી મુર્મુ હશે દેશનાં નવાં રાષ્ટ્રપતિ: જાણો કોણ છે મુર્મુ?

નવી દિલ્હી: ભાજપે (BJP) મંગળવારે સત્તાધીશ એનડીએના (NDA) રાષ્ટ્રપતિ ચૂંટણીના (Indian President Election) ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુનું (Draupadi Murmu) નામ રજૂ કર્યું હતું અને પાંચ વર્ષ પહેલાં એક દલિત રામનાથ કોવિંદને સર્વોચ્ચ પદ પર બેસાડયા બાદ એક નોંધનીય રાજકીય સંદેશ મોકલ્યો હતો. મુર્મુ ઓડિશાથી ભાજપના આદિવાસી નેતા છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠક બાદ પક્ષના અધ્યક્ષ જે પી નડ્ડાએ મુર્મુના નામની જાહેરાત કરી હતી, બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને અન્ય વરીષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં.

64 વર્ષીય મુર્મુ અગાઉ ઝારખંડના રાજ્યપાલ રહી ચુકયા છે, જો તેઓ ચૂંટણીમાં વિજયી થાય છે તો તેઓ ઓડિશાથી પ્રથમ અને પ્રથમ આદિવાસી મહિલા હશે જે રાષ્ટ્રપતિ બનશે. આની શક્યતા પ્રબળ છે કારણ કે આંકડાઓ ભાજપના નેતૃત્વવાળા એનડીએના પક્ષમાં છે. મુર્મુનું નામ ભાજપના નેતૃત્વવાળા એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ મોદીએ કહ્યું હતું, ‘દ્રોપદી મુર્મુ જીએ પોતાનું જીવન સમાજની સેવામાં અને ગરીબો, દલિતો અને હાશિયા પર ધકાયેલા લોકોને સશક્ત કરવામાં લગાવ્યું છે. મને વિશ્વાસ છે કે તેઓ આપણા દેશના સારા રાષ્ટ્રપતિ બનશે.’

મધુર સ્વભાવવાળા મુર્મુ મયુરભંજ વિસ્તારમાંથી આવે છે જે ઓડિશાના સૌથી પછાત વિસ્તારો પૈકી છે. મુર્મુએ પક્ષમાં વિવિધ પદો પર કામ કર્યું છે તેઓ રાજ્યમાં મંત્રી પદે હતાં જ્યારે ભાજપ અને બીજુ જનતા દળની સરકાર બની હતી.
2017માં પણ અટકળો ચાલી હતી કે ભાજપ મુર્મુને રાષ્ટ્રપતિ બનાવશે પણ તે સમયે રામનાથ કોવિન્દને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યાં હતાં. જો તેઓ ચૂંટાશે તો પ્રથમ રાષ્ટ્રપતિ બનશે જેમનો જન્મ સ્વતંત્રતા બાદ થયો હતો. અવાર નવાર કહેવામાં આવે છે કે મોદી પ્રથમ વડા પ્રધાન છે જેમનો જન્મ આઝાદી બાદ થયો હતો.

આ અગાઉ વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સિંહા 27 જૂને સવારે 11.30 કલાકે ઉમેદવારી નોંધાવશે. મીટિંગમાં હાજરી આપતા પહેલા યશવંત સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ટીએમસી(TMC)માં મને જે સન્માન અને પ્રતિષ્ઠા આપવામાં આવી છે તેના માટે હું મમતા બેનરજીનો આભારી છું. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે મારે પક્ષ સિવાય વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને ખાતરી છે કે પાર્ટી મારા પગલાને સ્વીકારશે.

યશવંત સિંહાની રાજકીય કેરિયર
1984 માં, યશવંત સિંહા જનતા પાર્ટીમાં જોડાયા હતા. અહીંથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. 1986માં તેમને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. 1988માં તેઓ પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 1989માં જનતા દળની રચના થઈ ત્યારે તેઓ તેમાં જોડાયા. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા. આ દરમિયાન તેઓ 1990 થી 1991 સુધી ચંદ્રશેખરની સરકારમાં નાણા મંત્રી પણ રહ્યા હતા. 1996માં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા. 1998માં તેમને કેન્દ્ર સરકારમાં નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી તેમને વિદેશ મંત્રી પણ બનાવવામાં આવ્યા. 2004માં ચૂંટણી હારી ગયા. 2005માં તેમને ફરીથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા. સિંહાએ 2009માં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. 2021માં તેઓ ટીએમસીમાં જોડાયા. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા.

Most Popular

To Top